શહેરના લોકોને ખેડૂત બનાવતો Rent a Farm નો નવતર વિચાર : જમીન ભાડે લો, શાકભાજી ઉગાડો અને પોતે ઉગાડેલું ખાઓ..મજ્જાની લાઇફ

પ્રકૃતિ સાથે જોડાણ કરાવતું ઉપજ ફાર્મ : વડોદરા જિલ્લો

MailVadodara.com - Rent-a-Farms-innovative-idea-turns-city-dwellers-into-farmers-savli

- ખેતીની પ્રક્રિયા સાથે જોડાયા બાદ અમારા મનમાં ખેડૂત માટેનો ગ્રેટિટ્યુડ અને રીસ્પેક્ટ ઘણું વધ્યું છે. ખેડૂતોના પરિશ્રમ, ધીરજ અને સમર્પણને વધારે માન સાથે જોતા થયા છે - દંપતી મોહિત ટેલ્યાની અને આયંકા

- રવિવારને મોલ કે સ્ક્રીન સામે નહીં, પરંતુ મધર નેચર સાથે ખુશી ખુશી સ્વચ્છ શાંત વાતાવરણમાં વિતાવીએ છે. આ અનુભવ માનસિક શાંતિ પણ આપે છે - આઇટી પ્રોફેશનલ યુશિતા મોદી

ખેતી કરવી છે પણ જમીન નથી? કોઇ વાંધો નહી. વડોદરામા સાવલી ગામ ખાતે અવની જૈન ઉપજ ફાર્મ ચલાવે છે જે શહેરના લોકોને ફાર્મમા જમીન ભાડે આપે છે અને ખેતી કરતા શીખવે છે. આ કોંસેપ્ટને તેઓએ નામ આપ્યુ છે Rent a Farm.

ઉપજ ખાતે Rent a Farm વિચાર હેઠળ શહેરના પરિવારોને છ મહિના માટે ૫૦૦ ચોરસ મીટર જમીન છ મહિના માટે ભાડે આપવામાં આવે છે. અહીં માત્ર જમીન આપીને જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ અવની જૈન પોતે દરેક પરિવારને ખેતીની સમગ્ર પ્રક્રિયા સમજાવે છે જેમાં માટીની ઓળખ, કમ્પોસ્ટ બનાવવાની રીત, બીજ વાવવાની પ્રક્રિયા, રોપાં તૈયાર કરવા, કોમ્બીનેશ પ્લાન્ટેશન, જીવામૃત અને ઓર્ગેનિક ખાતર બનાવવું, જંતુથી પ્રાકૃતિક રીતે બચાવવું, છોડની સંભાળ, કટીંગ અને પ્રૂનિંગ જેવી તમામ પ્રવૃત્તિઓ તેઓ જાતે શીખવાડે છે.


દરેક રવિવારે પરિવારો ફાર્મની મુલાકાત લે છે. તેઓ પોતાના હાથથી ઉગાડેલી શાકભાજી અને ફળો પોતે જ કાપે છે અને ઘરે લઈ જાય છે. આ રીતે દરેક પરિવારને દર અઠવાડિયે સરેરાશ આઠથી દસ કિલોગ્રામ તાજી, ઝેરમુક્ત અને ઓર્ગેનિક શાકભાજી મળે છે. પરંતુ આ સાથે-સાથે તેમને ખેતી કરવાનો અનોખો અનુભવ પણ પ્રાપ્ત થાય છે.


અવની જૈનએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, શહેરમાં રહેતા ઘણા લોકો ખેતી કરવા ઇચ્છે છે, પરંતુ તેઓ પાસે પોતાની જમીન અને ખેતી બન્નેનો અનુભવ નથી. આ સમસ્યામાંથી એક અનોખો અને નવીન વિચાર જન્મ્યો, જેને અમે Rent a Farm નામ આપ્યું.

આ કોન્સેપ્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે શહેરના લોકો, ખાસ કરીને બાળકો, પ્રકૃતિ સાથે સીધો સંપર્ક સાધે છે. માટી સાથે રમતા, છોડ ઉગતા જોતા અને પોતે ઉગાડેલું ખોરાક ખાતા તેઓ પ્રકૃતિનું મહત્વ સમજે છે. પરિવાર સાથે મળીને ખેતી કરવાથી સંબંધોમાં પણ નજીકતા વધે છે અને જીવનમાં એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે.

વડોદરા નિવાસી અવની જૈન વ્યવસાયે આર્કિટેક્ટ છે. નાનપણમાં તેઓ દાદા-દાદી સાથે ખેતરે જતા, માટીની સુગંધ, પાકની જાણવણી અને પ્રકૃતિ સાથેના આત્મિય સંબંધ જેવી યાદોને તેમણે પોતાના ફાર્મના વિકાસમા અને અન્ય પરીવારોને પણ આ અનુભવ થાય તે માટે આ અનોખો કોન્સેપ્ટ અપનાવ્યો છે.


૨૦૧૧માં તેમણે મધ્યપ્રદેશમાં અમૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. દીપક સચદેવ પાસેથી ખેતીના મૂળભૂત તેમજ વૈજ્ઞાનિક પાસાઓનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત પરમાકલ્ચર, ઓર્ગેનિક ફાર્મિંગ અને મિયાવાકી જેવી વિવિધ ખેતી પદ્ધતિઓનું પણ તેમણે ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવ્યું છે.

આજે છેલ્લા ૧૬ વર્ષથી અવની જૈન ઉપજ ફાર્મ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. હાલમાં આશરે ૨૫ જેટલા પરિવારો નાની-મોટી જમીન ભાડે લઈ નિયમિત રીતે ખેતી કરી રહ્યા છે. જમીન સાથે જોડાવાનો જે અનુભવ શહેરના લોકો પાસે નથી, તે આ Rent a Farm કોન્સેપ્ટ દ્વારા તેમને મળે છે. તેથી લોકો ઓર્ગેનિક શાકભાજી મેળવવાની સાથે સાથે એક ખેડૂત તરીકેની જીવનશૈલી અપનાવતા અનોખો અનુભવ કરી રહ્યા છે.


એક દંપતી મોહિત ટેલ્યાની અને આયંકાએ પોતાના અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ચાર વર્ષથી Rent a Farm કોન્સેપ્ટ સાથે જોડાયેલા છે. આ સમયગાળા દરમિયાન તેમણે ખેતીની પ્રક્રિયા નજીકથી શીખી અને અનુભવ કરી, જેના પરિણામે તેમના મનમાં ખેડૂત માટેનું ગ્રેટિટ્યુડ અને રીસ્પેક્ટ ઘણું વધ્યું છે. ખેડૂતોના પરિશ્રમ, ધીરજ અને સમર્પણને વધારે માન સાથે જોતા થયા છે. 

તેમણે વધુમા ઉમેર્યું કે, દર વર્ષે ખેતી સંબંધિત કંઈક નવું શીખવા અને જાણવા મળે છે, આ કોન્સેપ્ટના કારણે ભાગદોડ ભરી લાઇફમાંથી પ્રકૃતિ સાથે નજીક રહેવાનો અને જમીન સાથે જોડાવાનો આનંદ દર રવિવારે અમે મેળવી લઇએ છે.


અન્ય એક આઇટી પ્રોફેશનલ યુશિતા મોદીએ પોતાના અનુભવ વિશે જણાવ્યું કે, ઉપજ ફાર્મમાં કોમ્બિનેશન પ્લાન્ટેશન વિશે શીખ્યા બાદ અમારી ભોજન લેવાની આદતોમાં પણ સકારાત્મક બદલાવ આવ્યો છે. અગાઉ જે શાકભાજી અમે પસંદ કરતા ન હતા, તે હવે અમે જાતે ઉગાડવાના કારણે અમે આનંદથી ખાવા લાગ્યા છે. આ કોન્સેપ્ટના કારણે અન્ય પરિવારો સાથે પણ મળવાનું થાય છે જ્યાં એકબીજાને પોતાની ફેમિલી રેસીપી અને નવી-નવી વાનગીઓ ટ્રાય કરતા થયા છે. 

યુશિતાએ વધુમાં ઉમેર્યું કે, અમે આખી ફેમિલી સાથે અહીં આવે છે અને દરેક રવિવારને મોલ કે સ્ક્રીન સામે નહીં, પરંતુ મધર નેચર સાથે ખુશી ખુશી સ્વચ્છ શાંત વાતાવરણમાં વિતાવીએ છે. આ અનુભવ માનસિક શાંતિ પણ આપે છે.


છેક ખંભાતથી ઉપજ ફાર્મ સુધી નિયમિત આવતાં ડૉ. નંદકીશોર બારોટ ૮૨ વર્ષની વયે પણ અદમ્ય ઉત્સાહ સાથે આ કોન્સેપ્ટ સાથે જોડાયેલા છે. તેઓ લગભગ ૯૦ ટકા અંધત્વ ધરાવતા હોવા છતાં પ્રકૃતિ અને ખેતી પ્રત્યેનો તેમનો જુસ્સો કોઈ રીતે ઓછો થયો નથી. સાયન્સ અને કેમિસ્ટ્રી સ્ટ્રીમ સાથે લાંબા સમય સુધી સંકળાયેલા ડૉ. બારોટને ખેતી, ખાસ કરીને ઓર્ગેનિક ખેતી પ્રત્યે હંમેશાં આગવી લાગણી રહી છે. 


ડૉ. નંદકીશોર બારોટે જણાવ્યું હતું કે, ઉપજ ફાર્મમાં ઓર્ગેનિક ખેતીના કોન્સેપ્ટ અને Rent a Farm જેવી વિચારધારા તેમને અત્યંત પ્રભાવિત કરી છે. અહીંથી મળતી પ્રેરણાને આધારે તેઓ ખંભાત ખાતે પોતાના ફાર્મમા પણ આવો જ કોન્સેપ્ટ વિકસાવવા માંગે છે. તેમના મતે ઓર્ગેનિક ખેતીનો વિચાર અને ઝેરમુક્ત શાકભાજી વધુમાં વધુ લોકો સુધી પહોંચવું જોઇએ. આ પ્રકારના પ્રયાસો દ્વારા સ્વસ્થ સમાજ અને પ્રકૃતિમૈત્રી જીવનશૈલી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી શકાય છે.


ઉપજ ફાર્મ ખાતે Rent a Farm જેવા અનોખા વિચાર શહેરના લોકોને ખેતીનો સાચો અનુભવ કરાવે છે. અહીં લોકો પોતે મહેનત કરીને ઉગાડેલું શાકભાજી ખાય છે, જેના કારણે ખોરાકનું મૂલ્ય, ખેડૂતનું પરિશ્રમ અને પ્રકૃતિનું મહત્વ વધુ ઊંડાણથી સમજાય છે. ઉપજ ફાર્મના માધ્યમથી પ્રકૃતિ સાથે જોડાવાનો અનુભવ મળવાની સાથે સાથે પરિવારોને સાથે સમય વિતાવવાનો અવસર મળે છે અને ઓર્ગેનિક જીવનશૈલી તરફ પગલું અને બાળકો સાથે યુવાનોનો પણ સ્ક્રીન ટાઇમમા ઘટાડો થાય છે જે આજના સમયમા અનોખો અનુભવ છે. 

Share :

Leave a Comments