ડેટિંગ એપ મારફતે યુવકને બોલાવી 1.70 લાખના દાગીના લૂંટનાર રાજકોટ ગેંગની મહિલા ઝડપાઈ

લૂંટ-ધાડની ઘટનામાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે સફળતા મળી

MailVadodara.com - Rajkot-gang-woman-arrested-for-robbing-young-man-of-Rs-1-70-lakh-worth-of-jewellery-through-dating-app

- ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે વેબસાઇટ પર પ્રોફાઇલ ફોટા સાથે અપલોડ કરી હતી, આરોપીઓએ પ્રોફાઇલ જોઇ યુવકને વાઘોડિયા રોડ પર એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો

- આરોપીઓ રાજકોટની 'મેરીલેન્ડ હોટેલ' ખાતે રોકાયા હતા, અન્ય 5 શખ્સોને વોન્ટેડ જાહેર

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટ અને ધાડની ગંભીર ઘટનામાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે મોટી સફળતા મેળવી છે. સોશિયલ મીડિયા પરની ડેટિંગ એપ્લિકેશન મારફતે યુવકને હનિટ્રેપમાં ફસાવી દાગીના લૂંટી લેવાના કેસમાં રાજકોટની ગેંગની સંડોવણી બહાર આવી છે. આ મામલે પોલીસે એક મહિલા આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.


પ્રાપ્ત વિગતો મુજબ શહેરની એક ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા 30 વર્ષના યુવકે એક વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ ફોટા સાથે અપલોડ કરી હતી. આ પ્રોફાઇલ જોઈ આરોપીઓએ તેને જાળમાં ફસાવવાનું કાવતરું ઘડ્યું હતું. ગત તા. 15 માર્ચ 2026ના રોજ સાંજના સમયે આરોપીઓએ એક નંબર પરથી યુવકને વીડિયો કોલ કરી વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે આવેલ ડોમિનોઝ પિઝા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળે બોલાવ્યો હતો.

યુવક ત્યાં પહોંચતા જ અજાણ્યા શખ્સોએ ભેગા મળી તેને ગાળો આપી, માર માર્યો અને પોલીસની ઓળખ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીઓએ યુવક પાસેથી રૂ. 1,75,000 કિંમતની સોનાની ચેન અને બે વીંટીઓ લૂંટી લીધી હતી. આ અંગે તા. 23 માર્ચ 2026ના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

બનાવ બાદ પાણીગેટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલની ટીમે ટેકનિકલ સોર્સ અને મોબાઇલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓ રાજકોટની મેરીલેન્ડ હોટેલમાં રોકાયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હોટેલના રજીસ્ટર, સીસીટીવી ફૂટેજ તેમજ આરોપીઓએ આપેલા આધાર કાર્ડ, જન્મના દાખલા અને તેમની ફોર વ્હીલર ગાડીની વિગતો મેળવી હતી. વધુમાં, વેબસાઇટ પર તપાસ કરતા આરોપીઓ સામે અગાઉ પણ આવા જ પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું.

આધારે પોલીસે રાજકોટમાં દરોડો પાડી આરોપી મુમતાજ યોગેશભાઈ ઉર્ફે રાકેશ સિંગર (રાજપૂત) (રહે. જડેશ્વર પાર્ક, વેલનાથ સોસાયટી, ખોડિયાર ચોક પાસે, રાજકોટ)ને ઝડપી પાડી હતી. પૂછપરછ દરમિયાન તેણે લૂંટના ગુનાની કબૂલાત કરી હતી.

આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ તરીકે યોગેશ ઉર્ફે રાકેશ રામસીંગભાઈ શીંગર (રાજકોટ), નિકુંજ નરોત્તમબાપુ ગોંડલીયા (રહે. ચીચોડ, રાજકોટ), જનક રામસીંગભાઈ સીંગર (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, કોઠારીયા સોલવંટ, રાજકોટ), કેતન ઉર્ફે ચેતન મુકેશભાઈ દેગામા (રહે. હુડકો ચોકડી, જડેશ્વર પાર્ક, રાજકોટ) તથા એક અજાણ્યા શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

Share :

Leave a Comments