- વડોદરા રેલવે યાર્ડમાંથી 5 લાખની કિંમતનો બિયરનો જથ્થો ઝડપાયો હતો
- આરોપી રેલ્વે કર્મચારી રૂબીન ઉર્ફે કટ્ટે યુસુફમિયા બાપુમિયા શેખ રેલવેમાં પોઈન્ટમેન તરીકે ફરજ બજાવે છે

વડોદરા રેલવે યાર્ડના મેમુકાર શેડ પાસે ઊંચાઈવાળી પાણીની ટાંકીના બેઝમેન્ટમાંથી ભારતીય બનાવટના બીયરનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ ગુનામાં વોન્ટેડ આરોપીને વડોદરા રેલવે પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે ઝડપી પાડ્યો છે. આ આરોપી રેલવે કર્મચારી હોવાનું સામે આવ્યું છે.

વડોદરા રેલ્વે પોલીસ દ્વારા "મિશન ક્લીન સ્ટેશન" અંતર્ગત રેલ્વે પરિસરમાં ગેરકાયદેસર દારૂની હેરફેર અટકાવવા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે ટ્રેનો અને હદ વિસ્તારમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રેલવે પોલીસે મેમુ યાર્ડ વિસ્તારમાંથી 2304 ટીન બીયર (કુલ 1152 લીટર, કિંમત રૂપિયા 5,06,880) ઝડપાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ રેલ્વે કર્મચારી રૂબીન ઉર્ફે કટ્ટે યુસુફમિયા બાપુમિયા શેખ (ઉ.વ. 33, રહે. સરદારનગર રેલ્વે કોલોની, વડોદરા) નાસતો-ફરતો હતો.

પોલીસ ઈન્સ્પેક્ટર જે.ઝેડ. વસાવાના માર્ગદર્શન હેઠળ રચાયેલી વિશેષ ટીમે 14 સપ્ટેમ્બર 2025ના રોજ આરોપીને સરદારનગર રેલ્વે કોલોની પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી રેલ્વેમાં પોઈન્ટસમેન તરીકે નોકરી કરે છે. પોલીસે તેની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


