- દરોડા દરમિયાન પોલીસને ચકમો આપીને નાસી છૂટેલા અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે તરસાલી વિસ્તારમાં દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા 3 જુગારીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મકરપુરા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે તરસાલી વિસ્તારમાં આવેલી આર.કે. પુરમ સોસાયટી પાછળના ખુલ્લા ભાગમાં કેટલાક શખ્સો એકઠા થઈને જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ કાફલા સાથે ઘટનાસ્થળે રેડ કરી હતી. પોલીસને જોઈને જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી 3 આરોપીની ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ વિવિધ સ્થળોએ લોકોને પૈસાની લાલચ આપીને જુગાર રમાડતા હતા અને તેના દ્વારા મોટી કમાણી કરતા હતા. પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી જુગારના સાધનો (પાના) તેમજ 80,750ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓમાં વિશ્વ ઉર્ફે વિપુલ રામસિંહભાઈ પાટલવાડિયા (રહે. તરસાલી રમેશ્વર પાસે, મકરપુરા, વડોદરા), પ્રવીણભાઈ રાવજીભાઈ રાઠોડિયા (રહે. રામાપીરના મંદિર પાસે, ધાયરેડીયા, મકરપુરા, વડોદરા) અને વિક્રમ ઉર્ફે વિક્કી વિક્રમભાઈ વાદી (રહે. તરસાલી રમેશ્વર પાસે, મકરપુરા, વડોદરા)નો સમાવેશ થાય છે.
મકરપુરા પોલીસે આ મામલે પકડાયેલા ત્રણેય શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, દરોડા દરમિયાન પોલીસને ચકમો આપીને નાસી છૂટેલા અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.


