- ડભાસા ગામ નજીકે એપોથીકોન કંપની પાસે રોડ ક્રોસ કરતી બાઇકને પૂરપાટ ઝડપે આવતી બૂલેટે જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો
પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે જંબુસર-પાદરા રોડ પર બુલેટ અને બાઇક વચ્ચેના ગંભીર માર્ગ અકસ્માતમાં જાનમાં જતા યુવાનનું મોત નિપજયુ હતુ જ્યારે અન્ય એકને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાદરા તાલુકાના સાંઢા ગામમાં રહેતો પિયુષ વસંતભાઈ પરમાર (ઉ.વ.૧૮) તેના ૪૭ વર્ષના ફુઆ વજેસંગભાઈ ઉર્ફે રાજેશભાઈ શંકરભાઈ પઢીયાર(રહે.નરસિંહપુરા) સાથે બાઇક પર સિંધરોટ ગામ તરફ જાનમાં જતા હતા. ડભાસા પાસે એપોથીકોન કંપની નજીક સાઇડ લાઇટ બતાવી રોડ ક્રોસ કરતી વખતે સામેથી કાળા રંગની બુલેટના ચાલકે પૂરપાટ ઝડપે આવી બાઇકને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં વજેસંગભાઈને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પિયુષને ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે આ ઉપરાંત બુલેટના ચાલકને પણ ઇજા થઇ હતી. બનાવ અંગે પાદરા પોલીસે બુલેટના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


