વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે ઉશ્કેરણીજનક ભાષણો અને ચિત્રોના પ્રદર્શન પર પ્રતિબંધ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-૨૦૨૬

MailVadodara.com - Provocative-speeches-and-display-of-paintings-banned-in-Vadodara-district-ahead-of-local-body-elections

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વડોદરા જિલ્લાની ચાર નગરપાલિકાઓ, આઠ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણીઓનું મતદાન આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ (સવારના ૦૭૦૦ થી સાંજના ૦૬૦૦ વાગ્યા સુધી) યોજાનાર છે, જ્યારે મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી પ્રક્રિયાને અનુલક્ષીને સમગ્ર વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી. એસ. પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૭(૧)(છ) હેઠળ એક પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર, વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીના હદ વિસ્તાર સિવાયના વડોદરા જિલ્લાના ઉપરોક્ત તમામ ચૂંટણી વિસ્તારોમાં કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ હુકમ મુજબ છટાદાર ભાષણ આપવા, ચાળા પાડવા અથવા નકલ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તદુપરાંત, એવા કોઈપણ ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો કે અન્ય પદાર્થ તૈયાર કરવા, દેખાડવા અથવા તેનો ફેલાવો કરવા પર પણ મનાઈ છે અથવા જેનાથી અધિકૃત અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરુચિ અથવા નીતિમત્તાનો ભંગ થતો હોય, રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય, - આ તમામ કૃત્યો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ પ્રતિબંધાત્મક હુકમ તા. ૨૮/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫(૧) મુજબ દંડની સજાને પાત્ર થશે. આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ પણ સજાને પાત્ર ગણાશે.

Share :

Leave a Comments