વિશ્વામિત્રી નદી ઉપરના 14 બ્રિજ અને નદી કિનારાના વિસ્તારોની સુરક્ષા વધારવા પ્રોટેક્શન વોલ બનાવાશે

સ્થાયી સમિતિની બેઠકમાં એજન્ડા ઉપરના તમામ ચાર કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા

MailVadodara.com - Protection-walls-will-be-constructed-to-enhance-the-security-of-14-bridges-over-the-Vishwamitri-River-and-riverside-areas

- 73 કરોડના ખર્ચે ગેબિયન વોલ (પ્રોટેક્શન વોલ) બનાવવાના કામને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી

વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી ઉપરના 14 બ્રિજની સુરક્ષા વધારવા અને નદી કિનારાના વિસ્તારોમાં નદીના પાણીને જતાં અટકાવવા માટે રૂપિયા 73 કરોડના ખર્ચે ગેબિયન વોલ (પ્રોટેક્શન વોલ) બનાવવાનું કામ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું.


વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, સ્થાયી સમિતિની બેઠકમાં વિશ્વામિત્રી નદી ઉપરના 12 બ્રિજની સુરક્ષા માટે અને નદી કિનારાના વિસ્તારોમાં નદીના પાણી ન પ્રવેશે તે માટે ગેબિયન વોલ (પ્રોટેક્શન વોલ) બનાવવા માટે ઇજારદારો પાસેથી ભાવો મંગાવવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશનના ફ્યુચરસ્ટીક પ્લાનિંગ વિભાગ દ્વારા બ્રિજો પાસે ગેબિયન વોલ (પ્રોટેક્શન વોલ) બનાવવા માટે રૂપિયા 42,74,56,682 નો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જે સામે ઇજારદારે 14.13 ટકા ઓછો ભાવ ભરીને રૂપિયા 36,70,57,053 નો ભાવ આપ્યો હતો. તેજ રીતે નદી કિનારાના આસપાસના વિસ્તારોમાં પાણી ન જાય તે માટે ગેબિયન વોલ (પ્રોટેક્શન વોલ) બનાવવા માટે રૂપિયા 40,47,34,137 નો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જે અંદાજ સામે ઇજારદારે 9.99 ટકા ઓછા ભાવ ભરીને રૂપિયા 36,42,74,771 ના ભાવો ભર્યા હતા. આ બંને ઇજારદારોના ભાવો યોગ્ય હોઇ, મંજૂર કરવામાં આવ્યા છે.

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદી ઉપર કુલ 14 બ્રિજ છે. થોડા સમય પહેલાં વડસર ખાતે બનેલા બે નવા બ્રિજ ખાતે ગેબિયન વોલ બનાવવામાં આવેલી છે. વર્ષો જૂના દેણા, હરણી, ઉર્મી, મંગલપાંડે, ઇ.એમ.ઇ., કમાટીબાગ, કાલાઘોડા, ભીમનાથ, અકોટા, મુજમહુડા, અને ખીસકોલી સર્કલ પાસેનો બ્રિજ મળી 12 બ્રિજ ખાતે ગેબિયન વોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત નદી કિનારાના વિસ્તારો જેવા કે, કમાટી બાગ, સિધ્ધાર્થ બંગલો જેવા વિસ્તારોમાં નદીના પાણી ન પ્રવેશે તે માટે ગેબિયન વોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સ્થાયી સમિતિની બેઠકમાં એજન્ડા ઉપરના તમામ ચાર કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે.

Share :

Leave a Comments