ગેજ કન્વર્ઝન બાદ પણ કરજણ-ડભોઈ રૂટ પર એક જ ટ્રેન દોડતી હોવાથી નવી મેમુ શરૂ કરવા રજૂઆત

કરજણ-ડભોઈ રેલવે રૂટ પર નવી ટ્રેનોની માંગ

MailVadodara.com - Proposal-to-start-a-new-MEMO-as-only-one-train-is-running-on-Karjan-Dabhoi-route-even-after-gauge-conversion

- પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને એસોસિએશને પત્ર લખ્યો

- અલીરાજપુરથી છોટાઉદેપુર, બોડેલી અને ડભોઈ થઈ કરજણ સુધી સવાર-સાંજ સેવા શરૂ કરવાની માંગ કરી

કરજણ-ડભોઈ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન પૂર્ણ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં આ રૂટ પર હાલમાં માત્ર એક જ ટ્રેન દોડી છે. કરોડો રૂપિયાના ખર્ચે રેલવે લાઇનને મોટી લાઇનમાં રૂપાંતરિત કરવામાં આવી હોવા છતાં પૂરતી ટ્રેન સુવિધા ન મળતાં મુસાફરોને તેનો અપેક્ષિત લાભ મળતો નથી. આ સ્થિતિમાં અલીરાજપુરથી છોટાઉદેપુર, બોડેલી અને ડભોઈ થઈ કરજણ સુધી સવાર અને સાંજના સમયે નવી ટ્રેનો શરૂ કરવાની માંગ ઊઠી છે.

વેસ્ટર્ન રેલવે પેસેન્જર્સ એન્ડ પાસ હોલ્ડર્સ વેલફેર એસોસિએશન, વડોદરાના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખીને આ રૂટ પર ઓછામાં ઓછી બે નવી મેમુ અથવા પેસેન્જર ટ્રેનો શરૂ કરવા રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે કરજણડભોઈ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન કરાવવાનો મુખ્ય હેતુ સ્થાનિક મુસાફરોને સુગમ અને સીધી રેલવે સુવિધા આપવાનો હતો. જોકે, હાલમાં ટ્રેનોની અછત અને અનુકૂળ સમયપત્રકના અભાવે સ્થાનિક મુસાફરોને આ સુવિધાનો પૂરતો લાભ મળી રહ્યો નથી. ખાસ કરીને રોજગારી, મજૂરી, શિક્ષણ અને નાના વેપાર માટે અવરજવર કરતા લોકોને મુશ્કેલી પડે છે.

એસોસિએશને સૂચન કર્યું છે કે નવી ટ્રેન સવારે અલીરાજપુરથી શરૂ કરીને છોટાઉદેપુર, તેજગઢ, પાવી, જેતપુર, બોડેલી, બહાદુરપુર (સંખેડા), ડભોઈ થઈ કરજણ સુધી દોડાવવામાં આવે અને પરત ફરતી વખતે પણ આ જ માર્ગનો ઉપયોગ કરવામાં આવે. આવી ટ્રેન સવાર અને સાંજના સમયે ઉપલબ્ધ થાય તો રોજિંદા મુસાફરોને મોટો ફાયદો થઈ શકે છે.

એસોસિએશનના જણાવ્યા મુજબ અલીરાજપુરથી છોટાઉદેપુર અને આસપાસનો વિસ્તાર આદિવાસી વસ્તી ધરાવતો છે. અહીંના અનેક લોકો રોજગારી, મજૂરી, અભ્યાસ અને નાના વ્યવસાય માટે આસપાસનાં શહેરો અને ગામોમાં અવરજવર કરે છે. સીધી ટ્રેન સેવા શરૂ થાય તો આદિવાસી પરિવારો, ખેતમજૂરો, વિદ્યાર્થીઓ, નાના વેપારીઓ અને માસિક સીઝન ટિકિટ (એમએસટી) ધારકોને રાહત મળી શકે છે.

હાલમાં સીધી અને અનુકૂળ ટ્રેન સુવિધાના અભાવે મુસાફરોને લાંબો ફેરો ફરવાની ફરજ પડતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. નવી ટ્રેનો શરૂ થાય તો મુસાફરીના સમય અને ખર્ચમાં બચત થવાની સાથે સ્થાનિક વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસને પણ વેગ મળી શકે છે.

Share :

Leave a Comments