- લકડી પુલ કાંસના નવીનીકરણ માટે રૂા.5.38 કરોડનો અંદાજ તૈયાર
- ડી.આર.શાહ કન્સ્ટ્રક્શન કંપનીએ 23.61 ટકા ઓછા ભાવે ટેન્ડર ભર્યું
વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લકડી પુલ કાંસના નવીનીકરણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે રૂ.5.38 કરોડના ખર્ચની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન જૂના અને જર્જરિત કાંસને કારણે આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોવાની રજૂઆતને પગલે અહીં આર.સી.સી. ઓપન ટ્રેપેઝોડીઅલ ચેનલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
લકડી પુલ કાંસના નવીનીકરણના કામ માટે રૂ.5,38,67,470નો અંદાજ તૈયાર કરવામાં આવ્યો હતો. ટેન્ડર પ્રક્રિયાના પ્રથમ પ્રયાસમાં સાતેય ઇજારદારો યોગ્ય ઠર્યા હતા. ત્યારબાદ ભાવપત્રકોની ચકાસણીમાં ડી.આર.શાહ કન્સ્ટ્રક્શન કંપનીએ અંદાજિત રકમ કરતાં 23.61 ટકા ઓછા ભાવે ટેન્ડર ભર્યું હતું. કંપનીએ રૂ.4,11,49,360ના ભાવે કામ કરવાની તૈયારી દર્શાવી છે.
દરખાસ્તમાં જણાવ્યા મુજબ, હાલનો કાંસ જૂનો અને જર્જરિત હોવાથી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીના નિકાલમાં મુશ્કેલી ઊભી થાય છે અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. નવી આર.સી.સી. ઓપન ટ્રેપેઝોડીઅલ ચેનલના નિર્માણથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવાનો હેતુ છે.


