- વેસ્ટર્ન રેલવે પેસેન્જર એસોસિએશને જનરલ મેનેજરને પત્ર લખ્યો, કન્ફર્મ ટિકિટની મુશ્કેલી દૂર કરવા માગ
દિવાળી અને છઠ પૂજા સહિતના આગામી તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેની ટૂંકા અને લાંબા અંતરની નિયમિત ટ્રેનોમાં 2થી 3 વધારાના જનરલ કોચ જોડવાની માંગ ઉઠી છે. વડોદરાની વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ રજૂઆતમાં જણાવ્યું છે કે તહેવારો દરમિયાન નિયમિત ટ્રેનોમાં મહિનાઓ અગાઉથી બેઠકો ભરાઈ જાય છે. પરિણામે સામાન્ય અને મધ્યમ વર્ગના મુસાફરો, કામદારો તેમજ છેલ્લી ઘડીએ મુસાફરી કરવી પડતી વ્યક્તિઓને કન્ફર્મ ટિકિટ મળતી નથી. આવી સ્થિતિમાં અનેક મુસાફરો માટે તહેવારોમાં પોતાના વતન પહોંચવું મુશ્કેલ બની જાય છે.
રેલવે દ્વારા તહેવારોમાં વિશેષ ટ્રેનો દોડાવવામાં આવે છે, પરંતુ નિયમિત ટ્રેનોના સમય અને માર્ગથી મુસાફરો પહેલેથી પરિચિત હોવાથી તેમાં વધારાના સામાન્ય કોચ જોડવામાં આવે તો વધુ લોકોને સીધો લાભ મળી શકે છે. આથી પશ્ચિમ રેલવેની તમામ મુખ્ય નિયમિત ટ્રેનોમાં ઓછામાં ઓછા 2થી 3 વધારાના જનરલ કોચ અસ્થાયી અથવા કાયમી ધોરણે જોડવા માટે જરૂરી આદેશ આપવા એસોસિએશને વિનંતી કરી છે.


