મતગણતરી સ્થળ અને તેની આજુબાજુમાં ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસોએ એકઠા થવા કે સભાઓ ભરવા પર પ્રતિબંધ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ : વડોદરા

MailVadodara.com - Prohibition-on-gathering-or-holding-meetings-of-four-or-more-people-within-100-meters-of-the-counting-place-and-its-vicinity

રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ૧૧ નગરપાલિકાઓની પ્રસંગોપાત ખાલી પડેલ ૧૩ બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે.

ચૂંટણી કાર્યક્રમ મુજબ વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકા,પાદરા નગરપાલિકા, સાવલી નગરપાલિકા, વાઘોડિયા નગરપાલિકા, પાદરા તાલુકા પંચાયત, કરજણ તાલુકા પચાયત, શિનોર તાલુકા પંચાયત, સાવલી તાલુકા પંચાયત, ડભોઇ તાલુકા પંચાયત, ડેસર તાલુકા પંચાયત, વડોદરા તાલુકા પંચાયત, વાઘોડિયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વડોદરાની સામાન્ય ચૂંટણી માટે મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬, રવિવારના રોજ સવારના ૦૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી રોજ તથા મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ નિયત કરવામાં આવી છે. 

મતગણતરીના દિવસે મતગણતરી મથકમાં પ્રવેશ પર નિયંત્રણ કરવા તથા મતગણતરી કામ શાંતીથી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતગણતરી મથકે મતદાનની ગુપ્તતા જાળવવા મતગણતરીના દિવસે મતગણતરી પૂરી થાય ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, વડોદરા શ્રી બી. એસ. પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલ સત્તાની રૂએ મત ગણતરી બાબતે કેટલાક આદેશ ફરમાવવામાં આવ્યા છે. 

જાહેરનામા અનુસાર, મતગણતરી સ્થળ અને તેની આજુબાજુમાં ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં મતગણતરીના દિવસે સવારના કલાક ૦૬૦૦ થી મતગણતરી પૂરી ન થાય ત્યાં સુધી ચાર કે તેથી વધુ માણસોએ રાજયમાર્ગો ઉપર, શેરીઓમાં, ગલીઓમાં કે પેટા ગલીઓમાં એકઠા થવું નહીં, સભાઓ ભરવી નહીં.

મતગણતરીના સ્થળે સલામતી દળ દ્વારા કોર્ડન કરાયેલ પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ મતગણતરીના દિવસે સેલ્યુલર ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ, મોબાઈલ ફોન વગેરે ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહીં અને તેનો ઉપયોગ કરી શકશે નહીં.

કોઇપણ વ્યક્તિ સક્ષમ સત્તાધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતનાં અધિકૃત પ્રવેશ પાસ વિના મત ગણતરી કેન્દ્રમાં દાખલ થઈ શકશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે.

ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મત ગણતરી એજન્ટ કે જેમને મતદાર વિભાગ માટે મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાય અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં.

ઉપર મુકેલો પ્રતિબંધ મતગણતરીના કાર્યમાં રોકાયેલ અને પરવાનગી આપવામાં આવેલ કર્મચારીઓ/અધિકારીઓ/હરીફ ઉમેદવારો તથા મતગણતરી એજન્ટોને મતગણતરી સ્થળ પૂસ્તો લાગુ પડશે નહીં. ઉપર ક્રમ નં.૨ થી મુકેલો પ્રતિબંધ મતગણતરી માટે રાજય ચૂંટણી આયોગ દ્વારા મુકવામાં આવેલ નિરીક્ષકશ્રીઓને લાગુ પડશે નહીં. આ હુકમ વડોદરા જિલ્લાના નગરપાલિકાની ચૂંટણી/પેટા ચૂંટણી તેમજ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હેઠળના (પોલીસ કમિશનરશ્રી વડોદરા શહેરની હકુમત સિવાય) વિસ્તારમા આવેલ તમામ મતણતરી કેન્દ્ર તથા તેની આજુબાજુના ૧૦૦ મીટરમાં આવેલ વિસ્તારને લાગુ પડશે. તથા  આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર ગણાશે. આ જાહેરનામું તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરીના દિવસ માટે મતગણતરી કાર્ય પૂર્ણ થતાં સુધી અમલમાં રહેશે.

Share :

Leave a Comments