વડોદરામાં ગઇ કાલે પડેલા બે ઇંચ કરતા પણ ઓછા ધોધમાર વરસાદમાં જ કોર્પોરેશન દ્વારા કરાયેલી પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઇ હતી. સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. કેટલાંક સ્થળોએ તો પાણી હજી પણ ઓસર્યા નથી. કેટલાંક રોડ પર ભૂવા પડી ગયા છે તો રોડ બેસી પણ જવાથી વાહન વ્યવહારને અસર થઇ છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૃપિયાનો ખર્ચ કરીને પ્રિ મોન્સુન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તેવા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ આ દાવાઓની પોલ પ્રથમ વરસાદે જ ખોલી નાંખી છે. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઇ જવાની ફરિયાદો ઊઠી છે. કેટલાંક સ્થળોએ તો ગટરો પણ ઊભરાતી હોવાની ફરિયાદો તંત્રને મળી છે. વરસાદી ગટરો સાફ કરવામાં આવી છે તેવા દાવાઓ વચ્ચે વરસાદી ગટરોમાં જ વરસાદના પાણી વહેતા ન હતાં.

શહેરમાં અનેક સ્થળોએ નવી ડ્રેનેજ લાઇનો પણ નાંખવામાં આવી હોવા છતાં પાણી ભરાવવાની સમસ્યા તો એવી ને એવી જ રહી છે. કોર્પોરેશને વરસાદના કારણે લોકોને મુશ્કેલી ના પડે તે માટે કરેલો કરોડો રૃપિયાનો ખર્ચ માથે પડયો હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પરશુરામ ભઠ્ઠા, તાંદલજા, ઉંડેરા, ગોરવા વિસ્તારમાં વરસાદના ભરાયેલા પાણી બપોર સુધી નહી ઉતરતા લોકો રસ્તા પર ઉતર્યા હતાં.
પ્રથમ વરસાદમાં જ કોર્પોરેશનની પોલ ખૂલ્લી પડી જતા આજે સાંજે કમિશનરે સંકલનની બેઠક બોલાવી હતી અને અધિકારીઓને રેઇનકોટ પહેરીને પણ બહાર નીકળવા જણાવ્યું હતું. કોર્પોરેશનની દીવાલો પર પાનની મરાતી પિચકારીઓ સામે પણ કમિશનરે લાલ આંખ કરી હતી અને સીસીટીવી કેમેરા લગાવી જવાબદારો સામે દંડ વસૂલવાની સુચના આપી છે.


