- ગોરવા વિસ્તારમાં ચાર મહિના પહેલા તોડાયેલી ઝૂંપડપટ્ટી બાદ 250 પરિવારો હજુ પણ મકાન માટે રાહ જોઈ રહ્યા, પાંચ હજાર રૂપિયાનું ડિપોઝિટ ભર્યા હોવા છતાં આવાસ ફાળવવામાં ના મળતા ગરીબો ઉગ્ર વિરોધની ચીમકી આપી રહ્યાં છે
વડોદરા શહેરમાં સરકારી આવાસ યોજના હેઠળ ઘર મેળવવાનું સ્વપ્ન જોતા ગરીબો આજે એફોર્ડેબલ હાઉસિંગની કચેરી સામે મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું છે. આવાસના મકાનો ન મળતા હોવાનુ કહીને આજે પૂઠાના નાના ઘરો બનાવીને ધરણા પર બેસીને મકાન જલ્દી ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.

ચાર માસ અગાઉ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા દશામા મંદિર પાસે રહેતા ગરીબોના ઝૂંપડા પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. જેના કારણે લગભગ 250 પરિવારો રાતોરાત રસ્તા પર આવી ગયા હતા. આ પરિવારોને સરકારી આવાસ યોજના હેઠળ ઘર આપવાનું વચન અપાયું હતું, પરંતુ તેમને હજુ સુધી કોઈ રાહત મળી નથી.

આજે આ ગરીબો સરકારી આવાસ મેળવવા માટે પાંચ હજાર રૂપિયાની ડિપોઝિટ પણ ભરી છે. સ્થાનિક અગ્રણીઓના કહેવા પ્રમાણે, વડોદરામાં અનેક સરકારી આવાસો ખાલી પડ્યા છે, તેમ છતાં લાભાર્થીઓને તેમનો હક્ક મળતો નથી. આજે દસ્તાવેજ અને પૈસા ભરેલી પહોંચ સાથે ગરીબો કચેરી ખાતે પોહચી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પ્રદર્શન દરમિયાન સ્થાનિક અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો તેમની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી, આ ગરીબોને આવાસ ફાળવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આવાસથી વંચિત પૂજાબહેને જણાવ્યું હતું કે, અમે અગાઉ નાના નાના બાળકો સાથે ત્યાં રહેતા હતા અને ત્યાં અમારી ઝૂંપડપટ્ટી તોડાવી નાખી છે. અમને પાંચ હજાર રૂપિયા ભરવાનું કહી આશ્વાસન આપ્યું તો અમે ભર્યા અને મકાન આપવાની વાત કરી ત્યારે હજુ આપવામાં આવ્યા નથી. અમે હજુ દશામાં મંદિર પાસે રોડ પર રહીએ છીએ અને બાળકોને અકસ્માત થશે તો જવાદાર કોણ તેવી વાત કરી હતી.પૈસા ભર્યા છતાં મકાન અમને આપતા નથી.

આ અંગે સામાજિક આગેવાન વિઠ્ઠલ આયરેએ જણાવ્યું હતું કે, ગત ચાર મહિના અગાઉ ગોરવા વિસ્તારમાં દશામાના મંદિર પાસે આ મકાનો તોડવામાં આવ્યા હતા. તેઓએ આશ્વાસન આપ્યું હતું કે તમને તાત્કાલિક મકાન ફાળવવામાં આવશે. તેઓએ મકાન માટે પૈસા ભર્યા છે અને પાવતી પણ છે છતાં તેઓને મકાન આપવામાં આવતા નથી. કલાલી વિસ્તારમાં વુડાના મકાન આપવાની વાત કરી છે, આ લોકો ત્યાં ગયા હતા તો મકાનની સ્થતિ ખુબજ ખરાબ છે. આ મામલે અમે સંબંધિત અધિકારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો છતાં આ બાબતે સંપર્ક થઈ શક્યો ન હતો.


