- વરણામા પોલીસને દારૂના ગોડાઉન અને વેચાણની બાતમી મળી હતી
- દારૂનું સપ્લાય કરવા અલગ-અલગ વાહનોમાં ભરી રહ્યાં હતા, ઓઢવનો બૂટલેગર નારાયણ સૈન વોન્ટેડ જાહેર

વડોદરા શહેર નજીક આવેલા રમણગામડી GIDCમાંથી વરણામા પોલીસે અમદાવાદ ઓઢવના બૂટલેગરનું દારૂનુ ગોડાઉન ઝડપી પાડ્યું છે. પાર્થ કન્સ્ટ્રક્શન કંપનીના બોર્ડવાળા આ ગોડાઉનમાં દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું તે સમયેજ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે રૂપિયા 37 લાખના દારૂના જથ્થા સહિત 48 લાખના મુદ્દામાલ સાથે 5ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઓઢવના બૂટલેગરને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. દારૂનું ગોડાઉન ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.

મળેલી માહિતી પ્રમાણે, વરણામા પોલીસ મથકના પી.આઇ. એસ.જે. વાઘેલાને બાતમી મળી હતી કે, રમણગામડી ગામની સીમમાં પટેલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નંબર 9, બ્લોક નંબર- 253, પાર્થ કન્ટ્રક્શન નામના બોર્ડવાળા ગોડાઉનમાં નારાયણલાલ કસ્તુરરામ સૈન ( રહે. 15-16, શહેરી ગરીબ આવાસ, ઓઢવ, અમદાવાદ શહેર(મુળ રહે. રાજસ્થાન) બહારથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી ગોડાઉનમાં રાખે છે અને મોટા પ્રમાણમાં તેનુ ગેરકાયદેસર વેચાણ કરે છે. હાલમાં પણ આ ગોડાઉનમાં અલગ-અલગ વાહનોમાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો સપ્લાય કરવાનું કામ ચાલુ છે.

આ ચોક્કસ બાતમી આધારે પી.આઇ. એસ.જે. વાઘેલાએ સ્ટાફ સાથે રેડ કરી હતી. સ્થળ ઉપર રાજુખાન બરકતખાન કંડીયા ( રહે-તવાવ રાજસ્થાન (ડ્રાઇવર), ભાવેશકુમાર પીરાજી પ્રજાપતી ( હાલ રહે-દ્વારકેશ સોસાયટી, મકરપુરા, વડોદરા) ,અશોક બગદારામ ભીલ (રહે-આજોદર તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન ), મહેન્દ્રકુમાર અમ્રુતલાલ જોષી ( રહે-બડગાહ તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન), હરીશકુમાર ઉર્ફે ઇશ્વર ભુપાજી ભીલ ( રહે- અમરાપુરા તા-રાનીવાડા જિ-ઝાલોર, રાજસ્થાન), બૂટલેગર નારાયણલાલ કસ્તુરરામ સૈને મંગાવેલો દારૂનો જથ્થો અન્ય જગ્યાએ સપ્લાય કરવા સારુ અલગ અલગ વાહનોમાં ભરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 36,97,200ની કિંમતની દારૂ ભરેલી 238 પેટીઓ, હેરાફેરી માટે વપરાશમાં લીધેલી બોલેરો પીકઅપ વાન, ઇન્ટ્રા પીકઅપ વાન, મોટર સાયકલ, 4 મોબાઇલ ફોન, રોકડા રૂપિયા 10,920 અને સ્થળ ઉપરથી ગેસની સગડી, ગેસનો બોટલ વગેરે મળી કુલ રૂપિયા 48,82,920નો મુદ્દામાલ તેમજ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર અમદાવાદ ઓઢવના બૂટલેગર નારાયણ સૈનને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે વરણામા પોલીસ મથકમાં છ સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


