- બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ વચ્ચે આવનારી બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે સ્કૂલ સંચાલકો સાથે બેઠક યોજી
શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ઇમેલ ધમકીઓ વચ્ચે બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી હોવાથી શહેર પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. વિદ્યાર્થીઓમાં ગભરાટ ન ફેલાય અને પરીક્ષા દરમિયાન કોઈ અફરાતફરી સર્જાય નહીં તે હેતુથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે સ્કૂલ સંચાલકો સાથે સંકલન બેઠક યોજાઈ હતી.
બેઠકમાં અધિક પોલીસ કમિશનર ડો. લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનરો, મદદનીશ પોલીસ કમિશનરો, જિલ્લા શિક્ષણ અધિકારી, શાળાના સંચાલકો, પ્રિન્સિપાલો તથા આગેવાનો હાજર રહ્યા હતા. તાજેતરમાં કેટલીક શાળાઓને બોમ્બ બ્લાસ્ટ સંબંધિત ઇમેલ મળતાં સતર્કતા વધારવામાં આવી છે.

હાલ Central Board of Secondary Education (CBSE) ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, જ્યારે 26 ફેબ્રુઆરીથી Gujarat Secondary and Higher Secondary Education Board હેઠળ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થવાની છે. શહેરમાં કુલ 188 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન થવાનું હોવાથી સુરક્ષા અને વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે.
પોલીસ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે જો કોઈ ધમકી મળે તો પરીક્ષાર્થીઓ પેનિક ન થાય તે માટે શાંતિપૂર્વક અને ધીરજપૂર્વક કાર્યવાહી કરવી. શાળા સ્ટાફ, સિક્યુરિટી અને વર્કિંગ સ્ટાફને પણ સંવેદનશીલ પરિસ્થિતિમાં સતર્ક રહી કામગીરી કરવા સૂચિત કરવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ વિભાગ અને શહેર પોલીસ વચ્ચે સતત સંકલન રાખી પરીક્ષાઓ સલામત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.


