- યુપી પોલીસની મદદથી SOGએ વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો, આરોપી સામે અગાઉ ગોત્રી-સિટી પોલીસમાં નારકોટિક્સના બે ગુના નોંધાયા હતા
લખનૌમાં પકડાયેલા ૧૧ કિલો ચરસના કેસમાં વડોદરાના આરોપીનું નામ ખૂલતાં એસઓજીએ તેને ઝડપી પાડી યુપી પોલીસને સોંપવા તજવીજ કરી છે.
ઉત્તરપ્રદેશના નારકોટિક્સ સેન્ટ્રલ બ્યૂરો દ્વારા ગયા વર્ષે રૂપિયા પોણા ત્રણ કરોડની કિંમતનો ૧૧ કિલો ચરસનો જથ્થો પકડવામાં આવ્યો હતો. જે કેસની તપાસનું પગેરું વડોદરા પહોંચ્યું હતું અને ઇસ્માઇલ શેખ નામના સાગરીતનું નામ ખૂલ્યું હતું.
આરોપીને પકડવા માટે યુપી પોલીસે વડોદરા પોલીસની મદદ લેતાં આરોપી પર વોચ રાખવામાં આવી હતી. જે દરમિયાન એસઓજીની ટીમ દ્વારા ઇસ્માઇલ ઉર્ફે અલ્પુ સુલેમાનભાઇ શેખ (રહે. સૈયદ બિલ્ડિંગ, લાલ અખાડા નાકે, ફતેપુરા)ને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે કહ્યું છે કે, ઇસ્માઇલ સામે અગાઉ વડોદરામાં પણ ગોત્રી અને સિટિ પોલીસ સ્ટેશનમાં નારકોટિક્સ એક્ટ હેઠળ બે ગુના નોંધાયા હતા. યુપી પોલીસને જાણ કરાતાં તેને લખનૌના ગુનામાં તપાસ માટે લઇ જનાર છે.


