- DCP મંજીતા વણઝારાની અધ્યક્ષતામાં કોમ્બિંગ અને એરિયા ડોમિનેશન હાથ ધરાયું
- અવાવરું અને ડાર્ક સ્પોટ્સ પર ખાસ ધ્યાન અપાયું, શંકાસ્પદ રીતે ફરતા લોકોની સઘન પૂછપરછ કરાઈ
નવરાત્રિને આડે વહે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવ ઉજવી શકે તે હેતુથી વડોદરા પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા ચકાસણી તેજ કરી દેવામાં આવી છે.
આ સુરક્ષા અભિયાનના ભાગરૂપે ઝોન-2 પોલીસ ટીમ દ્વારા વડોદરાના હૃદયસમા અને મધ્યમાં આવેલા ઐતિહાસિક નવલખી મેદાન ખાતે સઘન સર્ચ ઓપરેશન, કોમ્બિંગ અને એરિયા ડોમિનેશન હાથ ધરાયું હતું. આ સમગ્ર કામગીરી ડીસીપી ઝોન-2 મંજીતા વણઝારાની પ્રત્યક્ષ અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનોની મોટી ટીમે ભાગ લીધો હતો.
નવરાત્રિના દિવસોમાં નવલખી મેદાન ખાતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને નાગરિકોની અવરજવર રહેતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મેદાનની અવાવરું તથા અંધારી જગ્યાઓ (ડાર્ક સ્પોટ્સ) પર ખાસ લક્ષ્ય કેન્દ્રિત કરીને ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન મેદાનમાં શંકાસ્પદ રીતે ફરતા અથવા બેસેલા લોકોની સઘન પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઓપરેશન શરૂ કરતાં પહેલાં પોલીસ ટીમોને એરિયા ડોમિનેશન અને પોઈન્ટ બંદોબસ્ત અંગેનું વિગતવાર બ્રીફિંગ આપવામાં આવ્યું હતું.
સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને ત્રુટિરહિત બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સમગ્ર નવલખી મેદાન અને આસપાસના વિસ્તારમાં નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાશે. પોલીસ તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તહેવારો દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પેટ્રોલીંગ અને વોચ રાખવામાં આવશે. ડીસીપી મંજીતા વણઝારાએ પણ આ તકે સુરક્ષા પગલાં અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી.


