- પોલીસ કમિશનરે કહ્યું, ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવા એક્શન પ્લાન તૈયાર, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે, કાયદો ભંગ કરનારાઓને છોડવામાં નહીં આવે

વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ બની છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યા હતા.

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ જ રાજ્યમાં પોલીસ વિભાગમાં બદલીઓ કરવામાં આવી હોવાથી તમામ કર્મચારીઓની વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટણી દરમિયાન અનુસરવાના માર્ગદર્શનો અને જવાબદારીઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી દરમ્યાન કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સચોટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો ભંગ કરનારાઓને બરદાશ્ત કરવામાં આવશે નહીં. પોલીસ દ્વારા શહેરમાં લાયસન્સ ધરાવતા હથિયારો જમા કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 25 ટકા કરતાં વધુ હથિયારો જમા થઈ ચૂક્યા છે. સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં 11 ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા કડક નજર રાખવામાં આવી રહી છે.
આ ઉપરાંત, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેથી અકસ્માતો અને કાયદો ભંગ થવાના બનાવોને રોકી શકાય. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને પણ શાંતિ જાળવવા અને ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.


