- મહાદેવ તળાવ નજીક બ્લોક નંબર 18ના મકાનમાં દરોડો, રોકડ અને મોબાઇલ સહિત રૂપિયા 32,660નો મુદ્દામાલ જપ્ત કરાયો
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મહાદેવ તળાવ નજીકના વુડાના મકાનોમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને કુલ ૫ ઇસમોને ઝડપી પાડ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે, મહાદેવ તળાવ પાસે આવેલ વુડાના બ્લોક નંબર 18, મકાન નંબર 15માં રહેતો અરવિંદભાઇ મેલસિંગભાઇ વસાવા પોતાના મકાનમાં બહારથી લોકોને ભેગા કરી જુગાર રમાડી રહ્યો છે. પોલીસે મકાનમાં દરોડો પાડતા, જુગાર રમતા 5 જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં અરવિંદભાઇ વસાવા (મકાન માલિક), દિપકભાઇ રાજ, દશરથભાઇ દેવીપૂજક, યોગેશભાઇ વસાવા અને કિશોરભાઇ કહારનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની પાસેથી રૂ. 27,660 રોકડા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત રૂ. 5,000ની કિંમતનો 1 મોબાઈલ ફોન અને પાના-પત્તા સહિત કુલ રૂ. 32,660નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


