જરોદ-સાવલી રોડ પર પિકઅપ પાછળ બાઇક ઘૂસતા પાછળ બેસેલા યુવકનું સ્થળ પર મોત, ચાલક ગંભીર

દેવપુરા પાટિયા નજીક પીકઅપ વાન ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત સર્જાયો

MailVadodara.com - Pillion-rider-dies-on-the-spot-and-driver-critically-injured-after-bike-rams-into-the-rear-of-a-pickup-truck-on-Jarod-Savli-Road

- વાઘોડિયા તાલુકાના કામરોલ ગામના બે યુવાનો રાણીપુરા ગામે અષાઢી બીજ નિમિત્તે રામાપીર મંદિરે દર્શન કરવા જતાં અકસ્માત થયો

- અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરિવારમાં શોકનો માહોલ


વડોદરા જિલ્લાના જરોદ-સાવલી રોડ પર આજે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અષાઢી બીજના પવિત્ર દિવસે વાઘોડિયા તાલુકાના કામરોલ ગામના બે યુવાનો રાણીપુરા ગામે રામાપીરના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન દેવપુરા ગામના પાટિયા નજીક તેમની પૂરપાટ ઝડપે જતી KTM બાઈક આગળ ચાલતા મહેન્દ્રા પિકઅપ ટેન્કરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા 19 વર્ષીય આકાશ રાઠોડિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક ચાલક યુવકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, કામરોલ ગામના તેરવા ફળિયામાં રહેતા અને કડિયાકામ કરતા પ્રવીણભાઈ ઉર્ફે ભયો ચંદુભાઈ રાઠોડિયાનો 19 વર્ષીય પુત્ર આકાશ તેના જ ગામના અજય મહેશભાઈ રાઠોડિયા સાથે બાઈક પર કામરોલથી રાણીપુરા ગામે રામાપીરના મંદિરે બીજ ભરવા (દર્શન કરવા) નીકળ્યો હતો. તેઓ જ્યારે જરોદ-સાવલી રોડ પર સમલાયા રેલ્વે બ્રિજથી થોડે દૂર દેવપુરા ગામના પાટિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આગળ ચાલતી મહેન્દ્રા પિકઅપ ટેન્કરની સાઈડ કાપવાના (ઓવરટેક કરવાના) ચક્કરમાં બાઈક કાબૂ બહાર ગઈ હતી અને ટેન્કરની પાછળના ભાગે જોરદાર અથડાઈ હતી.


અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકની પાછળ બેઠેલા આકાશને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જ્યારે બાઈક ચલાવી રહેલા અજયને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. આ તરફ અકસ્માતની જાણ થતાં જ આકાશના પિતા પ્રવીણભાઈ અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં રોડની સાઈડમાં અકસ્માતગ્રસ્ત બાઈક અને પોતાના જુવાનજોધ દીકરાનો મૃતદેહ જોઈને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આ ગંભીર અકસ્માત સર્જાયા બાદ મહેન્દ્રા પિકઅપનો ચાલક પોતાનું વાહન જુના સમલાયા ગામ પાસે ઊભું રાખીને સીધો સાવલી પોલીસ સ્ટેશન ખાતે સામે ચાલીને હાજર થઈ ગયો હતો. આ કરુણ ઘટના અંગે મૃતક આકાશના પિતા પ્રવીણભાઈ રાઠોડિયાની ફરિયાદના આધારે સાવલી પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. 19 વર્ષના જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી પરિવાર સહિત સમગ્ર કામરોલ ગામમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

Share :

Leave a Comments