વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં રનવે પર વીજ પુરવઠો ખોરવાતા મુસાફરો ગરમીથી પરેશાન

કાળઝાળ ગરમી વચ્ચે ફ્લાઇટમાં અંધારપટ છવાતાં મુસાફરો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા

MailVadodara.com - Passengers-suffer-from-heat-as-power-supply-fails-on-runway-of-IndiGo-flight-from-Vadodara-to-Delhi

- 25 મિનિટ સુધી એસી અને લાઇટો બંધ રહેતાં કેબિનમાં અસહ્ય ગરમી ફેલાઈ

- GPU બંધ થતાં ફ્લાઇટમાં અંધારપટ છવાયો, મુસાફરો ફાઇલ અને પૂંઠાથી પવન ખાતા નજરે પડ્યા

વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં એક મોટી ટેકનિકલ ખામી સર્જાવાને કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હોવાની ઘટના સામે આવી છે. એરપોર્ટ પર ઉભેલી ફ્લાઇટમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં એર કન્ડિશનર અને લાઇટો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. કાળઝાળ ગરમી વચ્ચે ફ્લાઇટની અંદર અંધારપટ છવાઈ જતાં મુસાફરો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. તમામ લોકો હાથમાં પૂંઠા અને ફાઇલથી પવન નખાતા નજરે પડ્યા હતાં.


મળતી માહિતી મુજબ, વડોદરાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E657માં આ ઘટના ઘટી હતી. ફ્લાઇટમાં સવાર મુસાફરો રાત્રે 08.50 વાગ્યાથી લઈને 09.15 વાગ્યા સુધી (આશરે 25 મિનિટ) અંદર જ ફસાયેલા રહ્યા હતા. બંધ કેબિનમાં અસહ્ય ગરમી હોવાના કારણે વ્યાકુળ બનેલા મુસાફરો પોતાના હાથમાં રહેલા પૂંઠા, ફાઇલ અને ન્યૂઝપેપર વડે પવન નાખતા નજરે પડ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિનો વીડિયો એક મુસાફરો પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે.


એરપોર્ટના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટનું જીપીયુ (Ground Power Unit) કોઈ ટેકનિકલ કારણોસર અચાનક બંધ થઈ ગયું હતું, જેના લીધે આ આખી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

GPUનું કાર્ય જ્યારે વિમાન રનવે કે ટર્મિનલ પર જમીન પર સ્થિર ઉભું હોય છે, ત્યારે તેના મુખ્ય એન્જિનો બંધ રાખવામાં આવે છે. એન્જિન બંધ હોવા છતાં વિમાનની અંદરની મહત્વની સિસ્ટમ્સ જેવી કે, કોકપિટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (ડિસ્પ્લે અને નેવિગેશન), કેબિન લાઇટિંગ, એર કન્ડિશનિંગ (તાપમાન જાળવવા માટે) અને એન્જિન ફરીથી સ્ટાર્ટ કરવા માટે જરૂરી પાવર સપ્લાય પૂરો પાડવાનું કામ આ 'ગ્રાઉન્ડ પાવર યુનિટ' (GPU) દ્વારા જ કરવામાં આવે છે.


ફ્લાઇટમાં પાવર ડિસરપ્શનની ઘટના બનતાની સાથે જ એરલાઇન્સના કુશળ ટેકનિશિયનોની ટીમ તાત્કાલિક ધોરણે કામે લાગી ગઈ હતી. યુદ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરી બાદ થોડા જ સમયમાં વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. ફ્લાઇટમાં ફરીથી લાઈટો અને એસી શરૂ થતાં જ ગૂંગળામણ અનુભવી રહેલા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ત્યારબાદ ફ્લાઇટ દિલ્હી જવા રવાના થઈ હતી.


Share :

Leave a Comments