- આણંદ-નડિયાદના મુસાફરો પણ અસરગ્રસ્ત, વાહન બદલવું પડતાં ખર્ચ વધ્યો
- પાસધારકોને વધારાનું ભાડું ચૂકવવાની ફરજ, વટવાથી અમદાવાદ-મણિનગર પહોંચવામાં મુસાફરોને મુશ્કેલી
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામને કારણે વડોદરા-અમદાવાદ વચ્ચેના દૈનિક મુસાફરોની મુશ્કેલી વધી રહી હોઈ વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર્સ વેલફેર એસોસિએશન, વડોદરા દ્વારા પશ્વિમ રેલવેના જનરલ મેનેજર અને વડોદરા ડિવિઝનના ડીઆરએમને રજૂઆત કરાઈ છે.
હાલમાં વડોદરાથી સવારે ૭ વાગ્યે ઉપડતી વડોદરા-અમદાવાદ મેમુને વટવા સુધી જ ચલાવવામાં આવતી હોવાથી વડોદરા, આણંદ, નડિયાદ સહિતના સ્ટેશનો પરથી મુસાફરી કરતા દૈનિક મુસાફરોને એમના ગંતવ્ય સ્થળ અમદાવાદ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. વધુમાં ઉમેર્યું કે વટવા ખાતે મુસાફરી પૂર્ણ થતાં અમદાવાદ અને મણિનગર તરફ જતા વિદ્યાર્થીઓને આગળ પહોંચવા નવેસરથી વાહન ભાડું ખર્ચવું પડે છે. રોજગારી માટે જતા શ્રમિકો, નાના વેપારીઓ, ફેરિયાઓ અને નોકરીયાત વર્ગના મુસાફરો માટે પણ વટવાથી શહેરના મુખ્ય વિસ્તારો સુધી પહોંચવમાં મુશ્કેલી થઈ રહી છે. દૈનિક પાસધારકોએ વધારાનું ભાડું ચૂકવવું પડે છે. સવારે ૭ વાગ્યે વડોદરાથી ઉપડતી આ મેમુને કાલુપુર સુધી દોડાવવાની અને ત્યાંથી સાંજે પરત ચલાવવાની મંજૂરી આપવા એસોસિએશને માગ કરી છે.


