- અગાઉ કોરિડોર બ્લોકનું કારણ અપાયું હતું, એસોસિએશને પશ્ચિમ રેલવેને સકારાત્મક નિર્ણયની માગ કરી, ઇન્ટરસિટી સુરત સુધી નહીં પહોંચતાં વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને મુશ્કેલી
જામનગર-વડોદરા-જામનગર ઇન્ટરસિટી ટ્રેન (22959/22960)નું સંચાલન અગાઉની જેમ ફરી સુરત સ્ટેશન સુધી શરૂ કરવાની માગ સાથે વેસ્ટર્ન રેલવે પેસેન્જર એન્ડ પાસ હોલ્ડર વેલફેર એસોસિએશન દ્વારા પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અને વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજરને રજૂઆત કરવામાં આવી છે.
કોરોના મહામારી બાદ આ ટ્રેનનું સંચાલન સુરતને બદલે વડોદરા સુધી સીમિત કરી દેવાતાં દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને વેપારીઓને મુશ્કેલી પડી રહી હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.
એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ હબીબ લોખંડવાલાએ જણાવ્યું છે કે, કોરોના પહેલાં જામનગર-સુરત-જામનગર ઇન્ટરસિટી ટ્રેન નિયમિત રીતે સુરત સુધી દોડતી હતી. જોકે, કોરોના બાદ રેલવે સેવાઓ ફરી શરૂ કરવામાં આવી ત્યારે ટ્રેનને વડોદરા સુધી જ ચલાવવાનો નિર્ણય લેવાયો હતો. તેના કારણે સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ, કરજણ અને વડોદરા વચ્ચે મુસાફરી કરતા હજારો મુસાફરોને અગવડતા પડી રહી છે.
ટ્રેનનું સંચાલન સુરત સુધી ન હોવાથી વિદ્યાર્થીઓને શાળા, કોલેજ અને કોચિંગ સેન્ટરોમાં જવા માટે વધુ સમય ફાળવવો પડે છે. જ્યારે દૈનિક અપ-ડાઉન કરતા કર્મચારીઓ અને માસિક પાસધારકોને સમયસર નોકરીના સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડે છે. સુરત અને વડોદરા વચ્ચે વેપાર માટે અવરજવર કરતા નાના અને મધ્યમ વેપારીઓ તેમજ આસપાસનાં ગામડાંના મુસાફરોને પણ અન્ય પરિવહનનાં સાધનોનો આશરો લેવો પડે છે.
એસોસિએશન દ્વારા અગાઉ પણ ટ્રેનને સુરત સુધી લંબાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, તે સમયે રેલવે દ્વારા કોરિડોર બ્લોકનું કારણ દર્શાવવામાં આવતું હતું. હવે તાજેતરમાં સુરત-વલસાડ મેમુ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી હોવાથી આ રૂટ પર ટ્રેન વ્યવહાર શક્ય હોવાની આશા મુસાફરોમાં જાગી છે. આ સંજોગોમાં જામનગર-વડોદરા ઇન્ટરસિટીને પણ સુરત સુધી લંબાવવા માટે રેલવે તંત્ર સકારાત્મક નિર્ણય લે તેવી માગ કરવામાં આવી છે.


