MS યુનિવર્સિટીની ફેકલ્ટી નજીક 8 ફૂટ લાંબો મગર દેખાતા ગભરાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું

મગર ઘૂસી આવ્યો હોવાના કોલને પગલે વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી

MailVadodara.com - Panic-as-8-foot-long-crocodile-spotted-near-MS-University-faculty-rescued-after-great-effort

- સાયન્સ ફેકલ્ટીની પાછળ ભૂખી કાંસ પાસે મગરને જોતા જ વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી હતી

- મગરને રેસ્ક્યૂ કરી વન વિભાગમાં લઈ જવાયો હતો, વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરાશે


વડોદરાની MS યુનિવર્સિટીના કેમ્પસમાં અચાનક મગર દેખાતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. યુનિવર્સિટીની ભૂખી કાંસ પાસે અંદાજે 8 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. મગરને જોઈને વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. વન વિભાગની ટીમે મગનને રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગ ખાતે લઈ જવાયો હતો


વડોદરા શહેરની MS યુનિવર્સિટીના કેમ્પસમાં મગર ઘૂસી આવ્યો હોવાના કોલને પગલે તુરંત જ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ મગરને પાંજરામાં પૂરવામાં સફળતા મેળવી હતી. મગરને સુરક્ષિત રીતે પકડ્યા બાદ તેને વન વિભાગમાં લઈ જવાયો હતો. વન વિભાગની તકેદારી હેઠળ મગરને વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવામાં આવશે. આ ઘટના બાદ યુનિવર્સિટી વહીવટી તંત્રે વિદ્યાર્થીઓને સાવધાની રાખવા અપીલ કરી છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના કિનારે વસેલી આ યુનિવર્સિટીમાં અગાઉ પણ મગરોની હાજરીની ઘટનાઓ બની ચૂકી છે.


જીવદયા પ્રેમી યશ તડવીએ જણાવ્યું હતું કે, વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલી સાયન્સ ફેકલ્ટીની પાછળ વન કેડી પાસે મગર આવી ગયો હોવાનો કોલ મળ્યો હતો આવ્યો હતો. આ મગરની લંબાઈ અંદાજે 8 ફૂટ જેટલી હતી. મગરની હાજરીની જાણ થતાં જ લોકોમાં થોડો ડર હતો, તેથી અમે તાત્કાલિક અમારી ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. આ કામગીરીમાં અમારી સાથે વન વિભાગના કર્મચારી શૈલેષભાઈ પણ જોડાયા હતા. અમે સૌએ સાથે મળીને ખૂબ જ સાવધાનીપૂર્વક આ વિશાળ મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું છે. હાલમાં મગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો છે અને હવે તેને વન વિભાગની કચેરીએ લઈ જવામાં આવ્યો છે. ત્યારબાદ નિયમ મુજબ તેને કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે.

Share :

Leave a Comments