- મહાકાય મગરના ગળે ગાળિયો નાખતા મગર વિફર્યો હતો અને વધુ ખુંખાર બની એક પછી ગુલાંટ મારતા અફરાતફરી મચી ગઈ હતી, ત્રણ લોકોએ મગર ઉપર બેસી કાબૂમાં લીધો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સરસવણી ગામમાં એક ખુંખાર મગર રાત્રિના સમયે માનવ વસાહતની નજીક આવતા ગામમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ અંગેની રેસ્ક્યુ ટીમને જાણ થતા તાત્કાલિક ટીમ પહોંચી મહાકાય મગરનું મહામહેનતે રેસ્ક્યૂ કરી વનવિભાગમાં લાવી સલામત સ્થળે ખસેડવામાં અવ્યો હતો.

આ મહાકાય મગર ગામમાં રહેણાંક વિસ્તારમાં પ્રવેશતા જ ગામના સરપંચ દ્વારા પ્રાણી જીવરક્ષક સંસ્થાની હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. આ અંગેની માહિતી મળતા જ સંસ્થાના અનુભવી રેસ્ક્યૂ ટીમ રાત્રે જ ગામે પહોંચી માનવ વસાહતમાં લટાર મારતા મહાકાય મગરના રેસ્ક્યૂની કાર્યવાહી હાથ ધરી હતી. મહાકાય મગર જે સ્થળે હતો ત્યાં લાઇટ ન હોવાથી રેસ્ક્યુ ટીમે ટોર્ચના અજવાળે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી મહાકાય મગરના ગળે ગાળિયો નાખતા મગર વિફર્યો હતો અને વધુ ખુંખાર બની એક પછી ગુલાંટ મારતા અફરાતફરી મચી ગઈ હતી.
રેસ્ક્યૂ ટીમે મગરને શાંત રાખવા માટે તેની આંખો પર સતત ટોર્ચથી લાઈટ મારી ભારે જેહમત બાદ નિયંત્રણ સાથે બે ચાદરો વિફરેલા મગરની આખો પર નાખવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ એક પછી એક ત્રણ રેસ્ક્યૂ ટીમના સભ્યો મગર પર બેસી ગયા અને તેને સંપૂર્ણ રીતે કાબૂમાં લઈ લીધો હતો. મહાકાય મગર ગાળિયો નાખતા ખૂંખાર બન્યો અને રેસ્ક્યૂ ટીમને પસીનો છોડાવ્યો હતો.
મહા મહેનતે રેસ્ક્યૂ કરાયેલ મગરને પ્રાણી જીવરક્ષક સંસ્થાએ તેને વન વિભાગને સોંપ્યો હતો. પાદરા વન વિભાગ દ્વારા મગરની સ્થિતિની તપાસ કરી તેને સુરક્ષિત સ્થળાંતરણ માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અવાર નવાર વડોદરા સહિત જિલ્લામાં મગર આવવા વડોદરા વાસીઓ માટે સમાન્ય બાબત બની ગઈ છે.


