- દારૂનો જથ્થો વડોદરામાં કયા બુટલેગર સુધી પહોંચાડવાનો હતો તેની તપાસ શરૂ
રાજ્યમાં લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો બેખોફ બનીને દારૂ ઘૂસાડી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. વડોદરા શહેરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ બાદ શહેર પોલીસની પીસીબી (PCB) શાખાએ બાતમીના આધારે ગોલ્ડન ચોકડી ખાતે સપાટો બોલાવી મહારાષ્ટ્ર પાસિંગના એક કન્ટેનરમાંથી વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેર પોલીસની પીસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોલ્ડન ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબનું મહારાષ્ટ્ર પાસિંગનું કન્ટેનર આવતાં જ પોલીસે તેને કોર્ડન કરીને અટકાવ્યું હતું. કન્ટેનરની તલાશી લેતાં તેમાંથી વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ 300થી વધુ દારૂની પેટીઓ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મુદ્દામાલની ગણતરી હાથ ધરવામાં આવી છે, જે પૂર્ણ થયા બાદ કુલ કિંમત અને સાચો આંકડો સ્પષ્ટ થશે.
હાલમાં પોલીસે કન્ટેનર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરામાં કયા બુટલેગર સુધી પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.


