પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા 350થી વધુ મહેસૂલી કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ પર

કર્મચારીઓએ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો

MailVadodara.com - Over-350-revenue-department-employees-on-an-indefinite-strike-due-to-the-non-resolution-of-pending-demands

- આવકના દાખલા, વારસાઈ અને ઈ-ધરાની નોંધ સહિતની ઓનલાઈન કામગીરી હડતાળથી બંધ રહેશે

- 2015ના કારકુનોના પ્રમોશન અને જિલ્લા ફેરબદલીના પ્રશ્નોના ઉકેલની પણ માંગ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મહેસૂલી મંડળની પડતર માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવતા મહેસૂલી કર્મચારીઓએ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. જેના ભાગરૂપે આજે વડોદરા જિલ્લા મહેસૂલી વિભાગના 350થી વધુ કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે. કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

આંદોલનના પગલે જિલ્લાના મહેસૂલી વિભાગના કર્મચારીઓ કામથી અલિપ્ત રહ્યા હતા, જેના કારણે મહેસૂલી કામગીરી પર અસર જોવા મળી હતી. કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ તેમની પડતર માંગણીઓ વહેલી તકે સ્વીકારી તેનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.

વડોદરા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, અમારી જે માંગણીઓ હતી તે સ્વીકારવામાં ન આવતાં, મહામંડળના આદેશ અનુસાર ૧લી તારીખ પછી આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છીએ. જ્યાં સુધી અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે. મુખ્યત્વે 14 જેટલી માંગણીઓ હતી અને તે અંગે વારંવાર રજૂઆતો તથા આવેદનપત્રો આપવા છતાં વિભાગ દ્વારા કોઈ યોગ્ય વિચારણા થઈ નથી. એક દિવસ ચર્ચા વિચારણા માટે બોલાવીને 30 દિવસનો સમય આપેલો, પરંતુ તે સમય વિતી ગયા પછી પણ અમારી માંગણીઓ પૂરી થઈ નથી. અમે વિવિધ કાર્યક્રમો આપ્યા હતા, જેમાં તાજેતરમાં માસ સીએલ પર ઉતરેલા હતા અને તેમાં બહોળી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં અંદાજિત 380 જેટલા કર્મચારીઓ છે. હડતાલના કારણે આવકના દાખલા, રેશનકાર્ડમાં નામ સુધારો, પ્રોપર્ટી વેચાણ અંગે ઈ-ધરામાં નોંધ, વારસાઈની નોંધ જેવી તમામ ઓનલાઈન કામગીરી બંધ રહેશે. આ કારણે જાહેર જનતાને પડનારી તકલીફ બદલ અમે માફી માંગીએ છીએ. જો અમારી માંગણીઓ સ્વીકારવામાં આવે તો અમે તરત જ કામ પર પરત ફરવા તૈયાર છીએ. આ માંગણીઓ સ્વીકારવાથી સરકારને કોઈ નાણાકીય નુકસાન થાય તેમ નથી.

મહિલા કર્મચારી દવીનાબેન વસાવાએ જણાવ્યું હતું કે, અમારી કુલ 14 માંગણીઓ છે. મુખ્ય મુદ્દાઓમાં, 2015ના કારકુનોને 2026માં પ્રોમોશન મળ્યું પરંતુ અલગ અલગ જિલ્લાઓમાં આપ્યું હોવાથી તેઓને પાછા લાવવામાં આવે. મહેસૂલી તલાટીઓનો જોબચાર્ટ નક્કી થયો છે તેમાં બીજા વિભાગની કામગીરી સોંપાતાં જોબચાર્ટ ફરીથી બેલેન્સ કરીને બનાવવામાં આવે. 2012ના નાયબ મામલતદારોની ડીમ્ડ ડેટથી સિનિયોરિટી યાદી તથા તે પછીના નાયબ મામલતદારો, કારકુન અને રેવેન્યુ તલાટીની સિનિયોરિટી યાદી સમયસર તૈયાર થાય. LRQ, પ્રી-સર્વિસ અને HRQ પરીક્ષાઓ સમયસર લેવાય, કારણ કે હાલ તેમાં ઘણો ગેપ રહે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વ-વિનંતીથી જિલ્લા ફેર બદલી કરતાં કારકુનો અને રેવેન્યુ તલાટીઓની સિનિયોરિટી પાછળ જતાં તેમનું પ્રોમોશન અટકી જાય છે. નાયબ મામલતદારો અને કારકુનો પર કામનું ભારણ બહુ હોવાથી સરકારે કામનું બેલેન્સ કરવું જોઈએ જેથી નાગરિકોનું કામ પણ સમયસર થાય અને કર્મચારીઓ પર લોડ ન રહે. કામનું ભારણ વધવાથી કર્મચારીઓને ચોક્કસપણે સ્ટ્રેસ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Share :

Leave a Comments