12 કૃત્રિમ તળાવોમાં 25 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન, રાજવી પરિવારે પેલેસના કુંડમાં વિસર્જન કર્યું

અનંત ચૌદસે વડોદરામાં શાંતિમય માહોલમાં ગણેશ પ્રતિમાઓનું ભાવભર્યું વિસર્જન કરાયું

MailVadodara.com - Over-25000-Ganesh-idols-immersed-in-12-artificial-ponds-the-royal-family-performed-the-immersion-in-the-palace-tank

- શહેરમાં 50 હજારથી વધુ પ્રતિમાઓની સ્થાપના થઈ હતી, ઢોલ-નગારા અને તાશાના તાલે ભક્તોએ બાપ્પાને વિદાય અપાઇ, 3 હજારથી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત

સંસ્કારી અને ઉત્સવપ્રિય નગરી વડોદરામાં આ વર્ષે પણ ગણેશ મહોત્સવની ઉજવણી અત્યંત ઉત્સાહ, શ્રદ્ધા અને રંગેચંગે કરવામાં આવી હતી. સમગ્ર શહેર ગણેશ ચતુર્થીથી અનંત ચૌદસ સુધી ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. ગણેશોત્સવના અંતિમ દિવસે એટલે કે અનંત ચૌદસના પવિત્ર દિવસે ભગવાન શ્રીજીની પ્રતિમાઓનું ભારે હૈયે અને ભાવસભર વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા અને પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને શહેરના જુદા જુદા 12 જેટલા સ્થળોએ કૃત્રિમ તળાવો અને વિશેષ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થાના ભાગરૂપે અંતિમ દિવસે જ અંદાજે 25,000થી વધુ શ્રીજીની મૂર્તિઓનું ભાવિક ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં આ વર્ષે નાના-મોટા મંડળો અને ઘરોમાં મળીને કુલ 50 હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. મહોત્સવ દરમિયાન માત્ર અંતિમ દિવસે જ નહીં, પરંતુ ગણેશ ઉત્સવના બીજા, ત્રીજા, પાંચમા અને સાતમા દિવસે પણ શ્રદ્ધાળુઓ દ્વારા અનેક મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેની કુલ સંખ્યા અંદાજે 23 હજારની આસપાસ થવા જાય છે. વિસર્જન યાત્રાઓ દરમિયાન ઢોલ-નગારા, તાશા અને ગુલાલની ઉડાણ સાથે ભક્તોએ બાપ્પાને આગામી વર્ષે જલ્દી આવવાનું નિમંત્રણ પાઠવીને વિદાય આપી હતી.

અંતિમ દિવસે વડોદરાના રાજવી પરિવાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ગણેશજીની પ્રતિમાનું પણ વિશિષ્ટ અને પરંપરાગત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. રાજવી પરંપરા અનુસાર પારંપરિક વાજિંત્રોના મધુર સૂર, શરણાઈના નાદ અને રાજવી પોશાકમાં સજ્જ પરિવારજનો તથા લશ્કરી બેન્ડની સલામી વચ્ચે વિસર્જન યાત્રા નીકળી હતી. આ મૂર્તિનું રાજમહેલ સંકુલમાં ખાસ તૈયાર કરવામાં આવેલા કુંડમાં ભક્તિભાવપૂર્વક વિસર્જન કરાયું હતું.

સમગ્ર વડોદરા શહેરમાં વિસર્જન પર્વ દરમિયાન શાંતિ અને કાયદો જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું, વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા દરમિયાન 1 જોઈન્ટ સીપી, 8 ડીસીપી, 12 જેટલા ઝઈપી અને 2000 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.
આ ઉપરાંત શહેરની બહારથી 4 ડીસીપી, 10 એસીપી, 50 પી.આઈ - પીએસઆઇ અને 600 થી વધુ કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવશે. આ ઉપરાંત ચાર કંપની SRPF,1 કંપની CISF, 1 કંપની BSF, 2 કંપની રેપિડ એક્શન ફોર્સ અને એક કંપની સ્પેશિયલ એક્શન ફોર્સના જવાનો પણ મદદમાં તૈનાત રહ્યા હતા. જેના કારણે સમગ્ર ગણેશ મહોત્સવ અને વિસર્જન પર્વ નિર્વિઘ્ને સંપન્ન થયો હતો.

વડોદરા શહેરમાં સવારથી નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બપોર બાદ મોટી મૂર્તિઓ વિસર્જન માટે લાવવામાં આવી હતી. વડોદરા શહેરમાં પર્યાવરણની જાળવણી માટે કૃત્રિમ તળાવમાં તગેમજ નિર્ધારિત કરેલા તળાવમાં જ વિસર્જન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરમાં સૌથી વધુ નવલખી મેદાન ખાતે બનાવાયેલ કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. અહીં નાની તેમજ 22 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

Share :

Leave a Comments