- 19 જાન્યુઆરીથી કોટંબી સ્ટેડિયમમાં મેચ રમાશે, ગ્રાન્ડ ફાઇનલ 5 ફેબ્રુઆરીએ રમાશે
મહિલા ક્રિકેટની સૌથી મોટી લીગ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026નું આયોજન નવી મુંબઈ અને વડોદરામાં થશે. આ વખતે વડોદરાનું પ્રતિષ્ઠિત બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સ્ટેડિયમ લીગના બીજા તબક્કાનું કેન્દ્ર બનશે, જ્યાં પ્લેઓફ અને ફાઇનલ સહિત 11 હાઇ-વોલ્ટેજ મેચો રમાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જાહેરાત કરી છે કે WPL 2026ની ટિકિટો આજે 26 ડિસેમ્બર 2025ના રોજ સાંજે 6 વાગ્યે ઓનલાઇન વેચાણ માટે લાઇવ થશે. ચાહકો WPLની સત્તાવાર વેબસાઇટ, WPL એપ તેમજ ડિસ્ટ્રિક્ટ (District by Zomato) પ્લેટફોર્મ દ્વારા ટિકિટો બુક કરાવી શકશે.
WPL 2026ની શરૂઆત 9 જાન્યુઆરીએ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી થશે. નવી મુંબઈમાં 11 મેચો રમાયા પછી, લીગ 19 જાન્યુઆરીથી વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાશે. અહીં ગુજરાત જાયન્ટ્સ અને RCB વચ્ચેની મેચથી શરૂઆત થશે, ત્યારબાદ 2025ની ફાઇનલની રિમેચ તરીકે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સનો સામનો થશે. લીગ સ્ટેજ 1 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે, ત્યારબાદ એલિમિનેટર 3 ફેબ્રુઆરીએ અને ગ્રાન્ડ ફાઇનલ 5 ફેબ્રુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટપ્રેમીઓને મહિલા ક્રિકેટના સુપરસ્ટાર્સ જેવા કે હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ તેમજ ગુજરાતની યાસ્તિકા ભાટિયા અને રાધા યાદવને લાઇવ જોવાનો મોકો મળશે. વડોદરાના ચાહકો માટે આ લીગના સૌથી રોમાંચક તબક્કાના સાક્ષી બનવાની તક છે.


