- આજે સવારે યુરિયા પ્લાન્ટમાં કામગીરી દરમિયાન ઘટના બની હતી, અન્ય કર્મચારીની હોસ્પિટલમાં સારવાર ચાલુ, ગેસ લીકેજનું કારણ જાણવા છાણી પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા શહેરના છેવાડે આવેલા ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ (GSFC)ના ઔદ્યોગિક એકમમાં આજે સવારે મેન્ટેનન્સની કામગીરી દરમિયાન અચાનક ગેસ ગળતરની ગંભીર ઘટના બની હતી. ગેસની અસર થતાં બે કર્મચારીઓની તબિયત લથડી હતી, જેમાં એક કામદારનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે ઔદ્યોગિક એકમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આજે સવારે GSFCના યુરિયા પ્લાન્ટ ખાતે મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કોઈ કારણસર અચાનક ગેસ ગળતર થતાં ત્યાં કામ કરી રહેલા કર્મચારીઓ તેની અસર થઈ હતી. ગેસની અસરના કારણે એક કામદારની હાલત ગંભીર બની હતી. બંને અસરગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે છાણી ખાતે આવેલી શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ એક કામદારને મૃત જાહેર કર્યો હતો. જ્યારે અન્ય એક કર્મચારી ઇજાગ્રસ્ત થતાં તેની સારવાર હાલ હોસ્પિટલમાં ચાલી રહી છે.
મૃતક કામદારની ઓળખ બાજવાના રહેવાસી ઘનશ્યામ ગોહિલ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં છાણી પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. હાલ ગેસ કયા કારણોસર લીક થયો હતો અને મેન્ટેનન્સની કામગીરી દરમિયાન કઈ પરિસ્થિતિમાં આ દુર્ઘટના સર્જાઈ તે અંગે ચોક્કસ વિગતો સામે આવી નથી. પોલીસ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ઔદ્યોગિક એકમમાં સલામતીના નિયમો અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી રહી હતી કે કેમ, તે મુદ્દે પણ તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.
ગેસ ગળતરની ઘટનામાં એક કામદારનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રોજગાર માટે ઔદ્યોગિક એકમમાં ગયેલા કામદારનું ગેસ ગળતર જેવી દુર્ઘટનામાં મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.


