- ગોરવા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી અને ત્યારબાદ નવા રોડના નિર્માણને પગલે વાહનચાલકો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું
વડોદરા શહેરમાં ટ્રાફિક અને રસ્તાના કામોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા એક મહત્ત્વની જાહેર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ગોરવા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી અને ત્યારબાદ નવા રોડના નિર્માણને પગલે વાહનચાલકો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
વડોદરા શહેરના ગોરવા પંચવટી કેનાલથી ઝુબી સર્કલ સુધી એક માર્ગ ડ્રેનેજ લાઇન નાખવાના કારણે રસ્તો ખરાબ થયેલ હોય, તેને સંપૂર્ણ ખોદાણ કરી નવેસરથી બનાવવાની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી 20 જાન્યુઆરીથી આગામી એક મહિના સુધી ચાલશે. જેના કારણે અહીંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોએ અન્ય એક માર્ગ પર બંને તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગેની નોટિફિકેશન પાલિકાએ જાહેર કરી છે.
આ કામગીરી દરમિયાન રસ્તાનો એક ટ્રેક સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન બીજા ટ્રેક પરથી જ બંને તરફના ટ્રાફિકની અવરજવર કરવાની રહેશે. કોર્પોરેશનના રોડ શાખા દ્વારા જાહેર જનતાને આ કામગીરીમાં સહકાર આપવા અને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. એક જ ટ્રેક પર બંને બાજુનો ટ્રાફિક હોવાથી આ માર્ગ પર પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે, જેથી વાહનચાલકોએ સાવચેતી પૂર્વક પસાર થવા જણાવવામાં આવ્યું છે.


