- ભાદરવા પોલીસે ટેમ્પાચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સાવલી તાલુકામાં સીકોતર માતાના દર્શને જતા બે સાઢુભાઇઓની બાઇકને સામેથી આવતા થ્રી વ્હીલ ટેમ્પાએ ટક્કર મારતા એક સાઢુભાઇનું મોત નિપજ્યું હતું જ્યારે અન્યને ઇજા થઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મહીસાગર જિલ્લાના બાલાશિનોર ખાતે કુંભારવાડા ટેકરી પાસે રહેતા દૈવિકભાઇ ભુલાભાઇ પટેલના દાદા સસરાનું મૃત્યુ થયું હોવાથી તેઓ પત્ની અને બે દીકરીઓ સાથે બેસણા તેમજ અન્ય વિધિમાં હાજરી આપવા માટે સાવલી તાલુકાના રાણીયા ગામે આવ્યા હતાં. તા.૨૦ના રોજ બેસણું પૂર્ણ થયા બાદ ગઇકાલે તા.૨૧ના રોજ પણ વિધિ હોવાથી તેઓ રાણીયા ગામે રોકાઇ ગયા હતાં.
દરમિયાન રાત્રે તેમના સાઢુભાઇ દીનેશભાઇ નરસિંહ વસાવાએ દૈવિકને મોક્સી ગામે સીકોતર માતાના મંદિરે દર્શન કરવા જઇએ તેમ કહેતા બંને સાઢુભાઇઓ બાઇક પર મંદિરે જવા માટે નીકળ્યા હતાં. બાઇક ગામની સીમમાંથી પસાર થતી હતી ત્યારે સામેથી પૂરપાટઝડપે આવતા એક થ્રી વ્હીલ ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારતા બંને રોડ પર ફંગોળાયા હતાં. દરમિયાન દૈવિકભાઇએ ફોન કરતા ઘરના સભ્યો પણ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યારે બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા દીનેશભાઇ વસાવાનું મોત નિપજ્યું હોવાનું ડોક્ટરે જાહેર કર્યુ હતું જ્યારે દૈવિકભાઇને ઇજા થતા સારવાર હેઠળ છે. ભાદરવા પોલીસે ટેમ્પાચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


