- પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં તોડફોડ કરનાર વિશાલ નથુભાઈ પાટીલને ઝડપી પાડી વિપુલ યાદવ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો
- રાત્રિના સમયે આરોપીઓએ ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઇટો અને પથ્થર વડે તોડફોડ કરી હતી
વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથક વિસ્તારની જી.આઈ.ડી.સી. કોલોનીમાં અસામાજિક તત્વો દ્વારા 16 જાન્યુઆરીના રોજ અરાજકતાનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ એક ઘરની બહાર પાર્ક કરેલી ઇલેક્ટ્રિક મોપેડની તોડફોડ કરી હોવાના લાઇવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ મામલે વાહનમાલિકે માંજલપુર પોલીસ મથકમાં અરજી આપી હતી, જેના આધારે પોલીસે આરોપીને ઝડપી ઉઠક-બેઠક કરાવી ભાઈગીરીના અભરખા ઉતર્યા હતા.

માંજલપુર પોલીસને આ અંગેની અરજી મળતા જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં તોડફોડ કરનાર વિશાલ નથુભાઈ પાટીલ (ઉં.વ.25, રહે. ડાહીબાનગર જીઆઇડીસી કોલોની, વડોદરા)ને ઝડપી કાન પકડાવી કાર્યવાહી કરી હતી. જ્યારે આ કાર્યવાહીમાં વિપુલ યાદવ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલ ઇસમ પાસેથી એક એક્ટિવા કબજે લેવામાં આવ્યું છે.

મકરપુરા જીઆઇડીસી કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા આરોપીઓએ ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઇટો અને પથ્થર વડે હુમલો કર્યો અને તેને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના દૃશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેમાં તોડફોડ કરતા આરોપીઓની હરકત સ્પષ્ટ દેખાઈ રહી છે. આવી માનસિકતા ધરાવનાર ઈસમો સામે પોલીસે કડક કાર્યવાહીના ભાગ રૂપે આરોપીને પકડી કાર્યવાહી કરી છે.

આ ઘટનાથી પીડિત પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યો રાત્રે ઘરની બહાર વાહન પાર્ક કરવા ડરી રહ્યા છે. તોડફોડ કરનાર આ અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી હતી. પીડિત પરિવારે આ અંગે સ્થાનિક પોલીસ મથકે અરજી આપી અજાણ્યા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પડ્યો છે, જ્યારે એક આરોપીની હજુ શોધખોળ ચાલુ છે.


