- મોરબીના વેપારીએ USDT ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લાલચ આવી જુદી-જુદી બેંકના એકાઉન્ટમાં કુલ 1.51 કરોડ ટ્રાન્સફર કર્યા હતા, હજુ મુખ્ય આરોપીઓની ધરપકડ બાકી
મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ક્રિપ્ટો કરન્સી ફ્રોડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. વડોદરાના વાઘોડિયા વિસ્તારના વિપુલ ઠાકોર (26)ને પોલીસે પકડ્યો છે. કોર્ટે તેના 18 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ કેસમાં મોરબીના વેપારી નૈમિષભાઈ પંડિત (39)ની ફરિયાદ પરથી તપાસ શરૂ થઈ હતી. તેમની સાથે વોટ્સએપ પર સંપર્ક કરી, USDT ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. ફરિયાદીએ જુદી-જુદી બેંકના એકાઉન્ટમાં કુલ 1.51 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ પાછી આપવામાં આવી ન હતી.
પોલીસ તપાસમાં અગાઉ રાકેશ સોલંકી, રાકેશ રાઠવા અને અરવિંદ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ હાલ મોરબી જેલમાં છે. નવા પકડાયેલા આરોપી વિપુલ ઠાકોર બોગસ બેંક એકાઉન્ટ ખોલાવવાનું કામ કરતો હતો. તે ખાતેદાર પાસેથી એકાઉન્ટનો ઉપયોગ કરવાનો અધિકાર મેળવી લેતો હતો. આવેલી રકમમાંથી તેને 2% કમિશન મળતું હતું.
પીઆઈ કે.કે. દરબાર અને તેમની ટીમની તપાસમાં જાણવા મળ્યું છે કે આ કેસમાં હજુ મુખ્ય આરોપીઓની ધરપકડ બાકી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.