- મૃતક યુવક મહાવીર વીરપરા છાણીનો રહેવાસી હતો અને દશરથમાં આઇટીઆઇ કરતો હતો
- આજે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ હોવાથી પરીક્ષા આપવા જતો હતો અને અકસ્માત સર્જાયો હતો
- અકસ્માતને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, ઈજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો

વડોદરામાં નેશનલ હાઈવે-48 પર ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી તરફ જતા રસ્તા પર આજે (21 ફેબ્રુઆરી) એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટિવા ચાલક યુવક ટ્રેલર સાથે અથડાઈ ગયો હતો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.

મૃતક યુવક મહાવીર વીરપરા છાણીનો રહેવાસી છે. તે દશરથ ખાતે આઇટીઆઇ કરતો હતો. આજે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ હોવાથી પરીક્ષા આપવા જતો હતો અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મૃતક યુવકની ઓળખ મહાવીર વિરપરા તરીકે થઈ છે, જ્યારે ઘાયલ યુવકનું નામ યુવરાજ ઠાકોર છે. ઘાયલ યુવરાજને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. ઇજાગ્રસ્ત યુવકના પરિવારજનોને જણાવ્યા અનુસાર મહાવીર સવારે પોતાના મિત્ર યુવરાજને એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. હાલ પોલીસે વધુ તપાસ ધરી હતી.

અકસ્માત બાદ હરણી પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક મહાવીર વિરપરાનો મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતને કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. યુવકનો મૃતદેહ લોહીથી લથપથ હાલતમાં રોડ પર જોવા મળ્યો હતો. ઘાયલ યુવરાજ ઠાકોર ધોરણ-10ની રિપીટર પરીક્ષા આપવાનો છે. હાલમાં હરણી પોલીસ તેમજ ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.


