રાજસ્થાન લગ્નમાંથી પરત ફરતા મુંબઈના પરિવારની કાર સાવલી નજીક પલટી જતાં એકનું મોત, 3 ઘાયલ

દિલ્હી-મુંબઈ હાઈવે પર સાવલી તાલુકાના પસવા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો

MailVadodara.com - One-dead-3-injured-as-car-of-Mumbai-family-returning-from-Rajasthan-wedding-overturns-near-Savli

- મુંબઈ પરત ફરી રહેલા પરિવારની અર્ટિગા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી ગઈ હતી

- આસપાસના લોકોએ દોડી આવી કારના દરવાજા તોડીને લોકોને બહાર કાઢ્યા

દિલ્હી-મુંબઈ હાઈવે પર સાવલી તાલુકાના પસવા ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પતાવી મુંબઈ પરત ફરી રહેલા પરિવારની અર્ટિગા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં દિનેશકુમાર જૈન નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.


પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ નવી મુંબઈના વાસી વિસ્તારમાં રહેતા દિનેશકુમાર નક્ષત્રમલ જૈન (ઉં.વ. 50) તેમના પત્ની સુશીલાબેન, પુત્રી ઝીલ અને મિત્ર ચંદ્રકાંતભાઈ અરુણકુમાર સનાઢ્ય સાથે રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી પોતાની અર્ટિગા કાર લઈને તેઓ મુંબઈ પરત ફરી રહ્યા હતા.

તેઓ જ્યારે વડોદરા નજીક આવેલા કાલોલ પસાર કરી સાવલી તાલુકાના પસવા ગામ નજીક દિલ્હી-મુંબઈ હાઈવે પરના નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ચાલક ચંદ્રકાંતભાઈએ અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાર રોડ વચ્ચે આવેલી ખાલી જગ્યામાં ફંગોળાઈને પલટી મારી ગઈ હતી.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર દિનેશકુમાર જૈનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી કારના દરવાજા તોડીને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

આ અકસ્માતની ઘટનામાં ઝીલ દિનેશકુમાર જૈન, સુશીલાબેન જૈન, ચંદ્રકાંતભાઈ સનાઢ્ય (ચાલક) ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક ત્રણેય વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતક દિનેશકુમારના પાર્થિવ દેહને વડોદરાની એસ.એસ.જી. (SSG) હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે.

Share :

Leave a Comments