- પોલીસે ગાડીમાં બનાવેલા ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1276 બોટલ જેની કિંમત 4.45 લાખ, મોબાઇલ, ગાડી મળી 9.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
છેલ્લા ઘણા સમયથી વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂ ના સપ્લાય સામે વડોદરા ગ્રામ્ય એલસીબી કાર્યવાહી કરી રહી છે. ત્યારે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. ગત રોજ વડોદરા ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી છે. નેશનલ એક્સપ્રેસ-વે નંબર-4 પરથી ગુપ્ત ખાનાવાળી ગાડીમાં લઈ જવાતો 4.4 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.આર. સિસોદિયા અને ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, સુરત તરફથી એક સફેદ કલરની મહિન્દ્રા મેક્સ ગાડી (નંબર પ્લેટ વગરની) દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ આવી રહી છે. બાતમીના આધારે LCB ટીમે સાંપા ગામના નાળા પાસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન શંકાસ્પદ ગાડી આવતા તેને કોર્ડન કરી અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ગાડીમાં ખાસ ગુપ્તખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાં વિદેશી દારૂની બોટલોનો ભંડાર હોય તેમ દૃશ્ય નજરે પડ્યું હતું. પોલીસે તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1276 બોટલ જેની કિંમત 4,45,484 મોબાઇલ, ગાડી મળી કુલ 9,50,484નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે સ્થળ પરથી ગાડીના ડ્રાઈવર ભજનલાલ રતનારામ ગોદારા (બિશ્નોઈ) (રહે. દેવપુરા, જિ. જાલોર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો રામલાલ માલારામ બિશ્નોઈ (રહે. સીડીયા, તા. સાંચોર, રાજસ્થાન) એ વાપી પાસે મહારાષ્ટ્ર બોર્ડર પરથી ભરાવી આપ્યો હતો. આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


