અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે ઉપરથી કારમાંથી 7.49 લાખના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

LCBએ બાતમી મુજબ એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પાસે વોચ ગોઠવી દારૂ ભરેલી કાર ઝડપી હતી

MailVadodara.com - One-arrested-with-liquor-worth-7-49-lakh-from-a-car-on-Ahmedabad-Vadodara-Expressway

- એલસીબીએ વિદેશી દારૂની 1944 નાની-મોટી બોટલો, કાર અને મોબાઇલ સહિત 12.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, દારૂ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતા તે દિશામાં તપાસ શરૂ

વડોદરા શહેર સહિત જિલ્લામાં અવાર નવાર ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાની ઘૂસણખોરી કરવામાં આવે છે સાથે વેપલો કરાય છે. ત્યારે સ્થાનિક પોલીસને ફરી એકવાર વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમે ઊંઘતી ઝડપી મંજુસર પોલીસ મથક હદ વિસ્તારમાં કાર્યવાહી કરી છે. અમદાવાદથી વડોદરા તરફ આવી રહેલા કારને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.


વડોદરા શહેરના એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર કૃણાલ પટેલે તેમના સ્ટાફને પ્રોહિબિશન અને જુગારના કેસો શોધવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ માર્ગદર્શનના પરિપાલનમાં એલ.સી.બી. ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન, ટીમને ચોક્કસ બાતમી મળી કે, સફેદ કલરની ક્રેટા ગાડી (નંબર GJ 01 RZ 1433)માં ગેરકાયદેસર વગર પાસ-પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી વડોદરા શહેર તરફ એક્સપ્રેસ હાઇવે ઉપર આવી રહ્યો છે.


આ બાતમીના આધારે, એલ.સી.બી. ટીમે એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ક્રેટા ગાડી આવતાં, ટીમે તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી. ગાડીમાં એક ડ્રાઇવર હતો, જેનું નામ મયુર બહાદુરસિંહ મિરોલા (રહે. 472, અમૃતનગર, સમતા, લક્ષ્મીપુરા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. ગાડીની તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 1944 નાની-મોટી બોટલો (કિંમત રૂ. 7,49,280/-), ક્રેટા ગાડી (કિંમત રૂ. 5,00,000/-) અને એક મોબાઇલ ફોન (કિંમત રૂ. 10,000/-) મળી, કુલ રૂ. 12,59,280/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહીમાં પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી, મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ દારૂ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જતા હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments