- વિદેશી દારૂ અને બીયરની કુલ 124 પેટી 5064 બોટલ તથા ટીન જેની કિંમત રૂ.6.67 લાખ, ઉપરાંત મોબાઇલ ફોન અને અન્ય સામાન મળી રૂ. 11.73 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
વડોદરા એલસીબી પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ગેરકાયદેસર દારૂની હેરાફેરી વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર દુમાડ ઝીરો પોઇન્ટ નજીકથી દારૂ ભરેલી આઇસર ગાડી ઝડપીને કુલ રૂ. 11.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે બાતમીના આધારે આઇસર ગાડી રાજસ્થાનના ઉદેપુરથી વડોદરા તરફ વિદેશી દારૂ લઈને આવી રહી છે. બાતમીના આધારે પોલીસએ સાવલી રોડ એકઝીટ પોઇન્ટ પાસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરની કુલ 124 પેટી 5064 બોટલ તથા ટીન મળી આવી હતી, જેની કિંમત રૂ.6,67,720 થાય છે. ઉપરાંત મોબાઇલ ફોન અને અન્ય સામાન મળી કુલ રૂ. 11,73,720નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
આ મામલે એલસીબી પોલીસે ચુનીલાલ દાલુજી ચૌહાણ (રહે. સંતરામનગર, પાતળિયા હનુમાન મંદિર પાસે,પાદરા)ને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. એલસીબી પોલીસે જણાવ્યું હતું કે ઓપરેશન પરાક્રમ અંતર્ગત જીલ્લામાં દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.


