- પોલીસે 61 હજાર ક્વાર્ટરિયા સાથે મોબાઇલ ફોન કિંમત રૂ.10 હજાર તથા કન્ટેનરની કિંમત રૂ.10 લાખ સહિત કુલ 1,06,69,520 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી બંધ બોડીના કન્ટેનરમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો રૂ. 96.59 લાખની કિંમતનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.1,06,69,520ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા LCB વડોદરા ગ્રામ્યના પીઆઇ પી.જે. ખરસાણના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન LCB ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પરથી ભરુચથી વાસદ તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ગોકળપુરા ગામની સીમ નજીક હાઇવે પર વોચ ગોઠવી કન્ટેનરને અટકાવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન કન્ટેનરમાંથી 96.59 લાખ રૂપિયાનો વિદેશી દારૂની 1,290 પેટીઓ મળી આવી હતી. જેમાં કુલ 61,920 ક્વાર્ટરિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે એક મોબાઇલ ફોન કિંમત રૂ.10 હજાર તથા કન્ટેનર કિંમત રૂ.10 લાખ સહિત કુલ 1,06,69,520 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ડ્રાઈવર લખન મહિપાલ બિશ્નોઈ, (રહે. ધતરવાલોકી ઢાણીયા, ભાકરાશની પોસ્ટ, સાંગરિયા, તા. લુણી, જી. જોધપુર, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીના ઓળખીતાં રાજુરામ મોડારામ બિશ્નોઈએ તેને ગોવા બોલાવ્યો હતો અને ધર્માભાઈ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો. ધર્માભાઈએ ગોવાના મડકઈ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી દારૂ ભરેલું કન્ટેનર સોંપી ગુજરાત તરફ મોકલ્યું હતું. આરોપીને મોબાઇલ લોકેશન મુજબ આગળ વધવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ મામલે પોલીસે આરોપી સહિત દારૂ સપ્લાય કરનાર અન્ય ઇસમો વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.


