આજવા રોડ પરના ફ્લેટમાંથી 10.42 લાખ રૂપિયાની પ્રતિબંધિત ઈ-સિગરેટના જથ્થા સાથે એકની ધરપકડ

સરદાર એસ્ટેટ પાસે જેની રેસીડન્સીમાં એસ.ઓ.જી.ની ટીમે બાતમી આધારે દરોડો પાડ્યો હતો

MailVadodara.com - One-arrested-with-banned-e-cigarettes-worth-Rs-10-42-lakh-from-a-flat-on-Ajwa-Road

- વડોદરા SOGની ટીમ પોલીસ ગોગો પેપર શોધવા નીકળી ને પ્રતિબંધિત ઈ-સિગરેટ મળી

- પોલીસે આરોપી સેફાનબાબા મેમણના ફ્લેટની તપાસ કરતાં વિવિધ કંપનીઓની બનાવટની પ્રતિબંધિત ઈ-સિગરેટના કુલ 487 બોક્સ મળ્યા હતા, સપ્લાય આરોપી વોન્ટેડ જાહેર

વડોદરા SOGની ટીમ ગોગો પેપર શોધવા નીકળી હતી. આ દરમિયાન આજવા રોડ પર આવેલી જેની રેસીડન્સીમાંથી 10.42 લાખ રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત ઈ-સિગરેટ (વેપ)નો જથ્થો મળી આવ્યો છે અને એક આરોપીને ઝડપી પાડ્યો છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે શરૂ કરાયેલી વિશેષ મહિલા ઈન્ચાર્જ પોલીસ કમિશનર લીના પાટીલની સૂચનાને પગલે એસ.ઓ.જી.ના પીઆઈ એસ.ડી. રાતડાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતી ટીમને અંગત બાતમી મળી હતી કે, વડોદરા શહેરના આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે જેની રેસીડન્સીના એ/503 નંબરના ફ્લેટમાં રહેતા સેફાન ઉર્ફે બાબા ઈકબાલભાઈ મેમણ પોતાના રહેઠાણમાંથી પ્રતિબંધિત ઈ-સિગરેટના જથ્થાનું છુટક વેચાણ કરે છે.

આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ સમયે હાજર આરોપી સેફાનબાબા મેમણને હાજર રાખીને તેના ફ્લેટની તલાશી લેવામાં આવી હતી, જ્યાં વિવિધ કંપનીઓની બનાવટની પ્રતિબંધિત ઈ-સિગરેટના કુલ 487 બોક્સ મળી આવ્યા હતા. આમાં મુખ્યત્વે Elfbar અને Yuoto DIGI કંપનીની અલગ-અલગ ફ્લેવરવાળી, મેડ ઈન ચાઈના બનાવટની ઈ-સિગરેટનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત 10.42 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે, આ જથ્થો તેણે ઈબ્રાહીમ હનીફભાઈ બીલ્લાવાલા (રહે. દુધવાળા મહોલ્લો, પાણીગેટ, વડોદરા) પાસેથી મંગાવ્યો હતો અને પોતે તેનું છુટક વેચાણ કરતો હતો. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસની વધુ તપાસ શરૂ કરી છે અને જથ્થો સપ્લાય કરનાર વ્યક્તિની શોધખોળ પણ હાથ ધરી છે.

Share :

Leave a Comments