- Say No To Drugsના બેનરો સાથે શહેરમાં વોકેથોન યોજાઇ, શિક્ષકોને વિદ્યાર્થીઓની આદતો પર નજર રાખવા અનુરોધ, વ્યસનની શરૂઆતનાં લક્ષણો જણાય તો વાલીઓને જાણ કરવા સૂચન
- પોલીસ કમિશનરે વિદ્યાર્થીઓને ડ્રગ્સ, તમાકુ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા અનુરોધ કર્યો
વડોદરામાં ગાંધી જયંતીના અવસરે શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ મુક્ત અને વ્યસન મુક્ત સમાજના સંકલ્પ સાથે વિશાળ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર નરસિંહા કોમારના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, NGOના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

વોકેથોન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના મુખ્ય ગેટથી પ્રસ્થાન કરી સયાજીબાગ સ્થિત એમ્ફી થિયેટર ખાતે પૂર્ણ થઈ હતી. સહભાગીઓએ Say No To Drugs, Say No To Tobacco, વ્યસન છોડો, જીવન અપનાવો અને નશા મુક્ત યુવા, સશક્ત ભારત જેવા સંદેશ લખેલા બેનરો અને પોસ્ટરો સાથે શહેરમાં વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ ફેલાવી હતી. કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર નરસિંહા કોમારે વિદ્યાર્થીઓને ડ્રગ્સ, તમાકુ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુવાનો દેશનું ભવિષ્ય છે અને વ્યસનમુક્ત યુવા પેઢી જ સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરી શકે છે.
સાથે જ તેમણે યુનિવર્સિટીના પ્રોફેસરો અને શિક્ષકોને વિદ્યાર્થીઓના વર્તન તથા આદતો પર સતત નજર રાખવા અપીલ કરી હતી. કોઈપણ વિદ્યાર્થીમાં કુટેવ કે વ્યસનની શરૂઆતના લક્ષણો જણાય તો તેના અંગે વાલીઓને સમયસર જાણ કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. વોકેથોન પૂર્ણ થયા બાદ એમ્ફી થિયેટર ખાતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ડ્રગ્સ, તમાકુ તથા અન્ય વ્યસનોથી દૂર રહેવાની અને સમાજમાં પણ વ્યસનમુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ અને નાગરિકોએ વ્યસનમુક્ત સમાજના નિર્માણમાં સક્રિય સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. શહેર પોલીસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં વ્યસનના વધતા પ્રભાવ સામે જાગૃતિ લાવવાનો તેમજ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ, સ્વસ્થ અને સંયમિત જીવનના વિચારોને લોકો સુધી પહોંચાડવાનો હતો. વડોદરા શહેર પોલીસના આ જનજાગૃતિ અભિયાનને ઉપસ્થિત નાગરિકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.


