- કચરો નાખતા લોકોના ફોટા અને તેમના વાહન નંબર LED સ્ક્રીન પર દેખાડાશે
- આવનારા દિવસોમાં વધુ સ્ક્રીનો લગાડી જાહેર જગ્યા પર કચરો નાખવા સામે નિયમોને કડક બનાવાશે

જો તમે હવે વડોદરામાં જાહેરમાં કચરો નાખશો તો આખા શહેરને ખબર પડી જશે કે તમે ગંદકી ફેલાવો છો. જાહેરમાં કચરો નાખનારનો ફોટો 69 LED સ્ક્રીન પર કોર્પોરેશન બતાવશે. શહેરની સ્વચ્છતા માટે એક ડિજિટલ અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત એક માસમાં 200 લોકો દંડાયા છે.


વડોદરા કોર્પોરેશન દ્વારા સફાઇ ઝુંબેશને અસરકારક બનાવવા માટે શહેરમાં જાહેર સ્થળે કચરો નાખતા લોકોના ફોટા અને તેમનાં વાહન નંબર હવે શહેરના મુખ્ય ચોક અને માર્ગ પર લગાવવામાં આવેલી LED સ્ક્રીન પર દેખાડવામાં આવી રહ્યા છે. હાલ શહેરના કુલ 69 સ્થાનો પર આ મોટી સ્ક્રીનો લગાવવામાં આવી છે, જેમાં સીધા સીસીટીવી ફૂટેજના આધારે કાયદા ઉલ્લંઘન કરતા લોકોની ઓળખ કરી જાહેર કરવામાં આવે છે.


કોર્પોરેશન દ્વારા આવનારા દિવસોમાં વધુ સ્ક્રીનો લગાડી જાહેર જગ્યા પર કચરો નાખવા સામે લાગુ નિયમોને વધુ કડક બનાવાશે. એક મહિનાની અંદર લગભગ 200 નાગરિકો જાહેરમાં કચરો નાખતા સીસીટીવી કેમેરામાં ઝડપાયા છે. આ લોકોને ન માત્ર જાહેરમાં કચરો નાખતા ખુલ્લા પાડવામાં આવ્યા છે, પરંતુ તેમણે દંડ પણ કરવામાં આવ્યો છે.

સોલીડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર ધર્મેશ રાણાએ જણાવ્યું હતું કે, વડોદરા પાલિકાની આ નવી પહેલ શરમ પણ એક દંડ છે એ સિદ્ધાંત પર આધારિત છે. જ્યાં દંડ માત્ર નાણાંનો નહીં. પરંતુ સામાજિક રીતે પણ છે. જેના કારણે ચોક્કસથી રોડ પર કચરો નાખવાની માનસિકતા ધરાવતા નાગરિકોમાં સુધાર આવશે અને અન્ય લોકોને પણ સબક મળશે. લોકોને સ્ક્રીન પર દેખાડી માનસિકતા બદલવાનો પાલિકાનો પ્રયાસ છે.


