ગુટખા લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ પાઇપથી હુમલો કરી મારામારી કરનાર 5 સગીર સહિત 9 ઝડપાયા

દાહોદનો યુવક બહેનના ઘરનો સામાન શિફ્ટ કરવા ગુલાબી વુડાના મકાનમાં આવ્યો હતો

MailVadodara.com - Nine-individuals-including-five-minors-have-been-apprehended-for-assaulting-a-young-man-with-a-pipe-following-an-altercation-that-broke-out-when-he-went-to-buy-gutkha

- પૃથ્વીરાજ ઉર્ફે બિહારીએ પાઇપ વડે યુવકના મોઢા અને આંખ ઉપરના ભાગે તેમજ પીઠ અને જમણા પગના ભાગે માર માર્યો હતો, યુવકને ઇજાઓ થતાં ચક્કર ખાઈને નીચે પડી ગયો હતો

- વીડિયો વાઇરલ થતા અટલાદરા પોલીસે આરોપીઓને પકડી કાન પકડીને ઉઠક બેઠક કરાવી


વડોદરામાં ગુટખાની પડીકી લેવા ગયેલા યુવક સાથે બોલાચાલી બાદ મારામારી કરી પાઇપ વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. જેને પગલે અટલાદરા પોલીસે ગણતરીના કલાકોમાં 5 સગીર સહિત કુલ 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં આરોપીઓ પાસે કાન પકડીને ઉઠક બેઠક કરાવી હતી.

દાહોદ ખાતે રહેતો 32 વર્ષીય યુવક પોતાની બહેનના ઘરનો સામાન વડોદરા શહેરના ખિસકોલી સર્કલ વિસ્તારમાં આવેલા ગુલાબી વુડાના મકાનમાં શિફ્ટ કરવા માટે વડોદરા આવ્યો હતો. આ દરમિયાન તેઓ ત્યાં રોકાયા હતા. 19 ઓગસ્ટની રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં તેઓ ગુલાબી વુડાના મકાનના નાકા પાસે આવેલી દુકાનમાં ગુટખાની પડીકી લેવા ગયો હતો.


યુવકે ગુટખાની પડીકી લીધા બાદ દુકાનદારને 500 રૂપિયાની નોટ આપતા દુકાનદારે છૂટા પૈસા લાવવાનું કહી તેની સાથે બોલાચાલી કરી ગાળો બોલી હતી. યુવકે ગાળો નહીં બોલવાનું કહેતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ દુકાનદાર સહિત અન્ય 3 વ્યક્તિઓએ યુવક સાથે ઝપાઝપી કરી મારામારી શરૂ કરી હતી.

આ દરમિયાન દુકાનદાર તરીકે ઓળખાતા પૃથ્વીરાજ ઉર્ફે બિહારીએ પાઇપ વડે યુવકના મોઢા અને આંખ ઉપરના ભાગે તેમજ પીઠ અને જમણા પગના ભાગે માર માર્યો હતો. હુમલામાં યુવકને ઇજાઓ થતાં તે ચક્કર ખાઈને નીચે પડી ગયો હતો. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.


આ બનાવ અંગે યુવકે ફરિયાદ નોંધાવતા અટલાદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે સ્થાનિક સાક્ષીઓ તેમજ હ્યુમન રિસોર્સના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપીઓને શોધી કાઢ્યા હતા.

પોલીસે આ ગુનામાં પૃથ્વીરાજ ઉર્ફે બિહારી ઉમેશપ્રસાદ કેસરી (ઉં.વ.25), સંદિપ રણછોડભાઈ વાઘેલા (ઉં.વ.20), સચિન મહેન્દ્ર જાદવ (ઉં.વ.18) અને અનિકેત લક્ષ્મીપ્રસાદ કેસરી (ઉં.વ.18)ને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત 5 સગીરોને પણ શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share :

Leave a Comments