- યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ બેંક ઓફ બરોડા ખાતે સૂત્રોચ્ચાર, ઓફલાઈન સેવાઓ અને કરોડો રૂપિયાના ચેક ક્લિયરન્સ પર અસર

વડોદરામાં રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓએ પાંચ દિવસની કામગીરીની લાંબા સમયથી ચાલી રહેલી માગને લઈને આજે તા.27મીએ સોમવારે દેશવ્યાપી એક દિવસની હડતાલ પર ઉતર્યા છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ આ હડતાળ કાર્યક્રમ આજે વડોદરામાં પણ યોજાયો હતો. જેમાં તમામ બેંકોના કર્મીઓએ સલાટવાડા, આરાધના સિનેમા સામે આવેલ બેંક ઓફ બરોડા ખાતે ધરણાં પ્રદર્શન યોજી ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજાવ્યું હતું. બેંકની હડતાલના કારણે કરોડો રૂપિયાના ચેકોનું ક્લિયરન્સ પણ અટકી ગયું હતું. આ હડતાલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.


આજે દેશ વ્યાપી બેંક હડતાલ હોવાના કારણે વડોદરામાં વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હડતાલમાં જોડાયા હતા. બેંક કર્મીઓએ પાંચ દિવસના સપ્તાહની માંગ શરૂ કરી છે. છેલ્લા કેટલાય દિવસથી આ બાબતે રજૂઆતો પણ કરવામાં આવી હતી. માંગણી નહીં સંતોષાતા આજે શહેરની કોઠી ચાર રસ્તાથી સાયાજી હોસ્પિટલ પાસે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં કર્મચારીઓએ ભારે સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન કર્યું હતું. પોતાની પડતર માંગણીઓને લઈ આજે એક દિવસીય હડતાળ પાળી કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે સવારે 10.30 વાગ્યાના સુમારે બેંક કર્મીઓ સલાટવાડા ખાતે આવેલી જુના આરાધના સિનેમા સામે આવેલ બેંક ઓફ બરોડા ખાતે એકત્ર થઈને ધરણામાં જોડાઈને પ્લે કાર્ડ સાથે રાખીને ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.


આ માગ 2015થી ચાલી રહી છે, જેમાં બેંકોમાં દરેક શનિવારે રજા રાખવાની અને અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ કામ કરવાની વ્યવસ્થા કરવાની માગણી અગાઉથી ચાલતી આવી છે. યુનિયનોએ જણાવ્યું છે કે જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આ હડતાળ અનિશ્ચિત મુદ્દત સુધી ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત તા. 25, જાન્યુઆરીએ છેલ્લો શનિવાર હતો જ્યારે બીજા દિવસે તા. 26મીએ પ્રજાસત્તાક દિનની જાહેર રજા હતી. જેથી બેંક યુનિયનો દ્વારા આ બંને દિવસની રજા બાદ આજે તા. 27 જાન્યુઆરીએ દેશભરમાં બેંક કર્મીઓની એક દિવસની પ્રતિક હડતાલની જાહેરાત કરી હતી. આમ સતત ત્રણ દિવસ સુધી બેંક બંધ રહેવાના કારણે આર્થિક વ્યવહારોને ભારે અસર થઈ હતી. સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેવાના પાંચ દિવસના સપ્તાહની માંગ સાથે દેશભરના બેંક કર્મીઓ આજે તા. 27, સોમવારે એક દિવસની પ્રતિક હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજે તમામ બેંકોના કર્મીઓએ સલાટવાડા, આરાધના સિનેમા સામે આવેલ બેંક ઓફ બરોડા ખાતે ધરણાં પ્રદર્શન યોજી ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજાવ્યું હતું. બેંકની હડતાલના કારણે કરોડો રૂપિયાના ચેકોનું ક્લિયરન્સ પણ અટકી ગયું હતું.

હડતાલના કારણે રાષ્ટ્રીયકૃત બેંકોમાં ઓફલાઈન કામગીરી જેવી કે રોકડ, જમા-ઉપાડ, ચેક ક્લિયરન્સ અને અન્ય શાખા સેવાઓ પ્રભાવિત થઈ રહી છે. જોકે, ઓનલાઈન બેંકિંગ, UPI, ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા સેવાઓ સામાન્ય રીતે ચાલી રહી છે. આ હડતાલ અને કર્મચારીઓની ભારે ભીડના કારણે રોડ પર ક્યાંક ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી.


