- પોલીસે આરોપી પાસેથી 4 કિલો 415 ગ્રામ પોપી (ડોડા)નો જથ્થો, કાપડની થેલી, લોખંડનો વજન કાંટો મોબાઇલ મળીને 67,225નો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા જિલ્લાના નંદેસરી પોલીસે 4 કિલો 415 ગ્રામનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને 73 વર્ષીય ચંદુભાઈ સામંતભાઈ પરમારની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને નાર્કોટિક્સ સંબંધિત પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે અનગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા પરમાર ફળીયામાં રહેતા ચંદુભાઈ સામંતભાઈ પરમારના રહેણાંક મકાન પાસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપી પાસેથી 4 કિલો 415 ગ્રામ પોપી (ડોડા)નો જથ્થો (આશરે રૂ.66,225ની કિંમત), તેને ભરવા માટે વપરાયેલ કાપડની થેલી, લોખંડનો વજન કાટો તેમજ વજનીયા (આશરે રૂ. 500) અને એક સાદો કીપેડ મોબાઇલ ફોન (આશરે રૂ. 500) મળીને કુલ રૂ. 67,225નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોપી ચંદુભાઈ સામંતભાઈ પરમાર (ઉ.વ. ૭૩, રહે. અનગઢ ગામ, બસ સ્ટેન્ડ પાસે પરમાર ફળીયા, તા. વડોદરા) વિરુદ્ધ નંદેસરી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


