- સરંપચે નંદેસરીમાં ધંધો કરવો હશે તો પૈસા આપવા જ પડશે, નહીતર હુ તને નંદેસરીમાં આવવા નહી દઉ અને ધંધો પણ નહી કરવા દઉં તેમ કહીને મને ગંદી ગાળો ભાંડી ધમકી આપી
વડોદરા પાસે આવેલા નંદેસરી ગામના સરપંચની દાદાગીરી દીન પ્રતિદિન વધી રહી છે, ત્યારે હવે આ માથાભારે સરપંચે જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટના મેનેજરને તમે દિવાળીમાં આપતા નથી, જેથી ઓછામાં ઓછા 15થી 20 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહી ખંડણી માંગી હતી. જો રૂપિયા નહીં આપે તો નંદેસરીમાં આવવા કે ધંધો પણ નહીં કરવા દઉં. ત્યારે મેનેજરે રૂપિયા તમને કેમ આપું તેવું કહેતા સરપંચે હવે નંદેસરીમાં દેખાયો તો પતાવી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી ડરી ગયેલા મેનેજર એ નંદેસરી પોલીસનો સહારો લીધો છે.
વડોદરાના ઉડેરા ગામમાં દિયા સ્ટાઇલ હોમ્સ સોસાયટીમાં રહેતા કૌશલપ્રસાદ શ્રીનથ્થુપ્રસાદ ત્રીપાઠી નંદેસરી જીઆઈડીસી ખાતેની ખાનગી કંપનીના લેબર કોન્ટ્રાક્ટમાં છેલ્લા બે વર્ષથી મેનેજર છે. 29 ઓક્ટોબરના રોજ સાંજના 6 વાગ્યા દરમિયાન મેનેજર કંપની ખાતે આવ્યા હતા. ત્યારે નંદેસરી ગામના સરપંચ દિલીપ જગદિશ પરમાર પોતાની કારમાં અન્ય શખ્સ સાથે કંપનીના ગેટ પાસે આવ્યો હતો.
સરપંચ દિલિપ પરમાર કારમાંથી નીચે ઉતારી મેનેજર પાસે આવ્યો હતો અને તમે દિવાળીનું કંઈ આપતા નથી જેથી ઓછામાં ઓછા 15થી 20 હજાર તો આપવા જ પડશે તેમ કહેવા લાગ્યો હતો. મેનેજરે તમને પૈસા કેમ આપુ? તેમ કહેતા દિલિપ પરમાર રોષે ભરાયો હતો અને નંદેસરીમાં ધંધો કરવો હશે તો પૈસા આપવા જ પડશે નહીતર હુ તને નંદેસરીમાં આવવા નહી દઉ અને ધંધો પણ નહી કરવા દઉં તેમ કહીને મને ગંદી ગાળો ભાંડી ધમકી આપી હતી.
મેનેજરે દિલિપ પરમારને ગાળો નહીં આપવાનું કહેતા તેને એક લાફો મારી દીધો હતો. ત્યારબાદ તું અહીંયાથી જતો રહેજે અને જો હવે તુ નંદેસરીમાં ક્યાય દેખાયો તો તને પતાવી દઈશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મેનેજરે નંદેસરી પોલીસે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


