નંદેસરી બ્રિજ પાસે બાઇકચાલકે મોપેડને ટક્કર મારતા પાલિકા કર્મચારીને ઇજા, ચાલક ફરાર

ગોદાવરી પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો, પોલીસે તપાસ શરૂ કરી

MailVadodara.com - Municipal-employee-injured-after-motorcyclist-hits-moped-near-Nandesari-Bridge-rider-flees

વડોદરા જિલ્લાના ફાજલપુર ગામ ખાતે રહેતા અને વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૩ના રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતા 40 વર્ષીય પિયુષભાઈ ગણપતભાઈ પરમાર હિટ એન્ડ રન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ બાઈકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે બાઈકના નંબરના આધારે આરોપી ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ગઈકાલે 16 જુલાઈના રોજ સાંજે આશરે 5 વાગ્યે પિયુષભાઈ પરમાર પોતાની નોકરી પરથી મોપેડ પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઇવે પર નંદેસરી બ્રિજ ચઢતા ગોદાવરી પેટ્રોલ પંપ નજીક વાસદ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા બાઈકચાલકે તેમના મોપેડને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માતના કારણે પિયુષભાઈને હાથ તેમજ મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર બાઈકચાલક ઘટના બાદ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. નંદેસરી પોલીસે મોટર સાયકલના નંબરના આધારે વાહનચાલકની ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.

Share :

Leave a Comments