ખંડેરાવ માર્કેટમાં ગંદકી કરનારા વેપારીઓ સામે મ્યુનિસિપલની કાર્યવાહી, બે દુકાનો સીલ કરાઈ

ફળ-ફૂલ અને ચાના વેપારીને દંડ ફટકારાયો, સ્વચ્છતા નહીં જાળવાય તો કાર્યવાહી ચાલુ રહેશે

MailVadodara.com - Municipal-action-against-traders-causing-a-mess-at-Khanderao-Market-two-shops-sealed

- મ્યુનિસિપલ કમિશનરે તાજેતરમાં ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં રૂબરૂ જઈ સફાઈ કરી અને વેપારીઓને સ્વચ્છતા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી હતી, ગંદકી યથાવત રહેતા પાલિકાએ કાર્યવાહી કરી

વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં આવેલા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરના સફાઈ અભિયાન બાદ પણ કેટલાક વેપારીઓ સ્વચ્છતા જાળવવામાં બેદરકારી દાખવી રહ્યા હોવાની સ્થિતિ સામે આવી છે. ભરચક વિસ્તારમાં ફળ-ફ્રૂટની લારીઓ, દુકાનો અને ફૂલના પથારા સહિતના વેપારીઓ દ્વારા ગંદકી કરવામાં આવતી હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે.
મ્યુનિસિપલ કમિશનરે તાજેતરમાં ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં રૂબરૂ જઈ સફાઈ કરી હતી અને વેપારીઓને સ્વચ્છતા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી હતી. જોકે, કમિશનરના સંદેશા બાદ પણ કેટલાક વેપારીઓ દ્વારા ગંદકી કરવામાં આવતી હોવાની સ્થિતિને પગલે તંત્રએ દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે.
સ્વચ્છતા જાળવવામાં બેદરકારી બદલ એક ફળની લારીના વેપારી, એક ફળની દુકાનના વેપારી, એક ચાની દુકાનના વેપારી અને બે ફૂલના પથારાના વેપારીઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બે દુકાનોને સીલ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વેપારીઓ જ્યાં સુધી સ્વચ્છતા જાળવશે નહીં ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ખંડેરાવ માર્કેટ જેવા ભરચક વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી વેપારીઓની પણ છે. કમિશનર દ્વારા રૂબરૂ સફાઈ કરી અપીલ કરવામાં આવી હોવા છતાં જો વેપારીઓ સહકાર નહીં આપે તો દંડ અને સીલિંગ જેવી કાર્યવાહીનો સામનો કરવો પડશે.
વડોદરા ખંડેરાવ માર્કેટ કચેરી સામે આવેલી રજવાડી 5 દુકાનમાં ચાના કપ રસ્તા પર ફેંકવામાં આવતા હોવાના પગલે કોર્પોરેશન દ્વારા દુકાનને સીલ કરવામાં આવી છે. અહીં પાન પડીકીનો કચરો તેમજ ચાની દુકાનોમાંથી ફેલાતી ગંદકી જોવા મળતી હોવાની ફરિયાદો વચ્ચે તંત્રની કાર્યવાહી સામે આવી છે. મુખ્ય માર્ગ પર ગંદકી ફેલાવતા અન્ય પાન પડીકી અને ચાની દુકાનના વેપારીઓ સામે પણ વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે તેવું મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા જણાવાયું છે. 

Share :

Leave a Comments