- માતા-પુત્રી એક્ટિવા પર સવાર હતા, અકસ્માત બાદ સ્થાનિકોએ ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડી, અકસ્માત બાદ કારચાલક વાહન મૂકી ફરાર, શોધખોળ શરૂ
વડોદરા શહેરના ગુરુકુળ ચાર રસ્તાથી વાઘોડિયા તરફ જતા રોડ પર મોડી રાત્રે એક્ટિવા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારચાલક વધુ ઝડપે કાર હંકારી રહ્યો હોવાના કારણે એક્ટિવા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે એક્ટિવા પર માતા અને પુત્રી સવાર હતા. અકસ્માતની જોરદાર ટક્કરમાં એક્ટિવા સવાર મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે બનાવને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

અકસ્માત બાદ સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતના કારણે રોડ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ અકસ્માત સર્જાયા બાદ કારચાલક પોતાની કાર ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત કાર અને એક્ટિવા અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરી અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેની પાછળના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


